નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી સમારોહનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદી સર્વોચ્ચ અદાલતની હિરક જયંતી અવસર પર નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનીકલ પહેલ શરૂ કરશે. ટેકનોલોજી પહેલ અંતર્ગત 'ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ' (ડિજી-એસસીઆર), 'ડિજિટલ કોર્ટ્સ 2.0' અને સર્વોચ્ચ અદાલતની એક નવી વેબસાઇટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તેઓ એક સભાને પણ સંબોધિત કરશે.
સુપ્રીમ કોર્ટે તેની પ્રથમ સુનાવણી 28 જાન્યુઆરી, 1950ના રોજ શરૂ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી 28 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના સભાગૃહમાં બપોરે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટની હિરક જયંતી સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડીજી-એસસીઆર સર્વોચ્ચ અદાલતના નિર્ણયોને નાગરિકોને મફતમાં અને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે.
નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી સર્વોચ્ચ અદાલતની નવી વેબસાઇટ પણ લોન્ચ કરશે, જે અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને તેને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. ત્યાર બાદ બપોરે 3:30 વાગ્યે ચીફ જસ્ટિસના કોર્ટરૂમમાં એક વિશેષ ખંડપીઠ બેસશે. તેની અધ્યક્ષતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને અન્ય સહયોગી ન્યાયાધીશો કરશે.
આ પ્રસંગે વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જસ્ટિસ ચંદ્રચુડ, એટર્ની જનરલ આર. વેંકટરામણી અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ સી અગ્રવાલ પણ સંબોધન કરશે.