શ્રીનગર: હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક અમરનાથ ગુફામાં શનિવારે 'પ્રથમ પૂજા' કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, મનોજ સિંહાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું કે વાર્ષિક શ્રી અમરનાથજી યાત્રાના ઔપચારિક પ્રારંભને ચિહ્નિત કરવા માટે આજે પ્રથમ પૂજા કરવામાં આવી હતી. બાબા અમરનાથજીના આશીર્વાદ લીધા અને તમામ લોકોના સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
તેમણે કહ્યું કે કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા મંદિરની પવિત્ર તીર્થયાત્રા હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે કારણ કે સ્થાનિક મુસ્લિમો તીર્થયાત્રીઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં મદદ કરે છે.
અન્ય એક નિવેદનમાં, તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની પ્રાચીન પરંપરા રહી છે કે આ યાત્રામાં તમામ સમુદાયના લોકો ભાગ લે છે, પછી ભલે તેમનો કોઈ પણ ધર્મ હોય. હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ દેશ અને વિદેશના વિવિધ ભાગોમાંથી આવતા યાત્રાળુઓને આવકારવા અને તેમની સેવા કરવા માટે સાથે આવે.
યાત્રાળુઓ માટે SASB દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે વાત કરતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. યાત્રા સરળ, સલામત અને ઝંઝટ-મુક્ત હોય તે સુનિશ્ચિત કરવા અમે દરેક સંભવિત પગલાં લઈ રહ્યા છીએ.
અમે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વર્ષે આ યાત્રા 29 જૂનથી શરૂ થશે. આ યાત્રા 52 દિવસ સુધી ચાલશે અને 19 ઓગસ્ટે રક્ષાબંધન અને શ્રાવણ મહિનાની પૂર્ણિમાની સાથે સમાપ્ત થશે. દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લેવા આવે છે.