નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી ચાલી રહી છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં 4 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે. પાંચમા તબક્કામાં વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડશે. તેમણે મંગળવારે 14મી મેના રોજ અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ 2019માં પણ વારાણસીથી ચૂંટણી જીતી હતી. નરેન્દ્ર મોદી દેશના એક માત્ર પીએમ છે જે વારાણસી બેઠક પરથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા છે. તેમના પહેલા દેશના કોઈપણ વડાપ્રધાન ચૂંટણી જીતીને આ પદ સુધી પહોંચી શક્યા નથી.
જવાહરલાલ નેહરુ ફુલપુરથી જીત્યા: દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 3 વખત પીએમ પદ સંભાળ્યું હતું, પરંતુ તેઓ વારાણસીથી એક પણ વખત ચૂંટણી લડ્યા ન હતા. તેમણે 1952, 1957 અને 1962માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લા હેઠળની ફુલપુર બેઠક પરથી ચૂંટણી લડી અને વડાપ્રધાન બન્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રી અલ્હાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા: લાલ બહાદુર શાસ્ત્રી 1964 થી 1966 સુધી દેશના વડાપ્રધાન હતા. તેમણે જવાહરલાલ નેહરુ પછી પીએમ પદ સંભાળ્યું. જય જવાન, જય કિસાનનો નારા આપનાર પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ અલ્હાબાદ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા પીએમ પદ સંભાળ્યું હતા.
ઈન્દિરા ગાંધી અલ્હાબાદ બેઠક પરથી ચૂંટાયા: ભૂતપૂર્વ PM ઈન્દિરા ગાંધી જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પછી તેઓ 1980માં ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. ઈન્દિરા ગાંધી 1964થી ફેબ્રુઆરી 1967 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તે ચોથા, પાંચમા અને છઠ્ઠા સત્રમાં લોકસભાના સભ્ય હતા. જાન્યુઆરી 1980માં, તેણીએ ઉત્તર પ્રદેશના રાયબરેલી અને આંધ્ર પ્રદેશની મેડક બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી.
મોરારજી દેસાઈએ સુરત બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ: કટોકટી દરમિયાન ધરપકડ કરાયેલા મોરારજી દેસાઈએ માર્ચ 1977માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીની જંગી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ પોતે ગુજરાતના સુરત મતવિસ્તારમાંથી લોકસભામાંથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ સર્વસંમતિથી સંસદમાં જનતા પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા અને 24 માર્ચ 1977ના રોજ તેમણે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
ચરણ સિંહ બાગપત બેઠક પરથી જીત્યા: ચૌધરી ચરણ સિંહ 1979માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેઓ આ પદ પર માત્ર 170 દિવસ રહ્યા. જ્યારે તેમણે પીએમ પદ સંભાળ્યું ત્યારે તેઓ ઉત્તર પ્રદેશની બાગપત બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
રાજીવ ગાંધીએ અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું: 1984ની લોકસભાની ચૂંટણી એવી હતી કે, દેશમાં ગાંધી પરિવાર વચ્ચેનો સંઘર્ષ સામે આવ્યો. 31 ઓક્ટોબર 1984ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા અને માત્ર સાંસદ જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન પણ બન્યા હતા.
વીપી સિંહ 1989માં પીએમ બન્યા: 1989માં વિશ્વનાથ પ્રતાપ સિંહ દેશના વડાપ્રધાન બન્યા હતા. વીપી સિંહ એક સમયે રાજીવ ગાંધીની સરકારમાં સૌથી ઊંચા નેતા હતા. તેઓ રાજીવ ગાંધીની કેબિનેટમાં સંરક્ષણ અને નાણા જેવા મોટા મંત્રાલયો સંભાળતા હતા. વીપી સિંહ 1989માં અલ્હાબાદ સીટ પરથી પીએમ બન્યા હતા.
ચંદ્રશેખર મહારાજગંજથી જીત્યા: ચંદ્રશેખર 1990માં દેશના વડાપ્રધાન બન્યા હતા. પીએમ બનતા પહેલા તેમણે ક્યારેય કોઈ મંત્રાલયમાં મંત્રી પદ સંભાળ્યું ન હતું. જ્યારે તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે ચંદ્રશેખર યુપીની મહારાજ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
નરસિમ્હા રાવ નંદ્યાલ બેઠક પરથી ચૂંટણી જીત્યા: પીવી નરસિમ્હા રાવે 1991 થી 1996 સુધી ભારતના 9મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. દક્ષિણ ભારતમાંથી આવનારા તેઓ દેશના પહેલા પીએમ હતા. વડાપ્રધાન બનતા પહેલા તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 1991માં આંધ્ર પ્રદેશની નંદ્યાલ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
અટલ બિહારી 1999માં પીએમ બન્યા: પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ 1996 અને 1999માં દેશની કમાન સંભાળી હતી. તેઓ 1996માં ખૂબ જ ટૂંકા સમય માટે તેેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા અને પંડિત જવાહરલાલ નેહરુ પછી સતત 2 ટર્મ માટે વડા પ્રધાન બનનારા તેઓ પ્રથમ વડા પ્રધાન હતા. 1996માં, તેઓ લખનૌ બેઠક તેમજ ગાંધીનગરથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા હતા. આ પછી વાજપેયીએ લખનૌને પોતાનું કાર્યસ્થળ બનાવ્યું હતું. 1998, 1999 અને 2004માં લખનૌથી ચૂંટણી જીત્યા હતા.
એચડી દેવગૌડા કઈ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ: એચડી દેવગૌડા દેશના 11મા વડાપ્રધાન બન્યા હતા. 30 મે 1996ના રોજ, દેવેગૌડાએ કર્ણાટકના મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને ભારતના 11મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ કર્ણાટકની હાસન લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યુ.
ઈન્દર કુમાર ગુજરાલ 1997માં વડાપ્રધાન બન્યા: 1997માં ઈન્દર કુમાર ગુજરાલ ભારતના વડાપ્રધાન બન્યા. ભારતના વડા પ્રધાન બનતા પહેલા ગુજરાલ 1 જૂન 1996 થી વિદેશ પ્રધાન હતા અને 28 જૂન 1996 ના રોજ, તેમણે જળ સંસાધન મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો, ત્યારબાદ 1991માં, ગુજરાલ પટના, બિહારથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૂંટણી રદ કરવામાં આવી હતી જે બાદ 1992માં લાલુ પ્રસાદ યાદવની મદદથી ગુજરાલ રાજ્યસભામાં ચૂંટાયા હતા.
મનમોહન સિંહ લઘુમતી સમુદાયના પ્રથમ વડાપ્રધાન: મનમોહન સિંહે 2004 થી 2014 સુધી ભારતના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. સિંહ ક્યારેય લોકસભાના સભ્ય રહ્યા નથી. જો કે, 1991 થી 2019 સુધી, તેમણે રાજ્યસભામાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું અને 2019 થી 2024 સુધી, તેમણે રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું.
પીએમ મોદી વારાણસી સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે: 2014થી દેશની કમાન પીએમ મોદીના હાથમાં છે. તેઓ 2014 અને 2019થી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એટલું જ નહીં, તે આ જ સીટ પરથી 2024માં પણ ચૂંટણી લડશે.