નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી દિલ્હી નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે બેઠક યોજશે તેવી શક્યતા છે તેમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. નવા ચૂંટણી કમિશનર વર્તમાન અનુપચંદ્ર પાંડેનું સ્થાન લેશે કારણ કે તેઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.
નવા અધિનિયમ હેઠળ પહેલી નિમણૂક હશે : મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો ( નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની શરતો ) અધિનિયમ 2023 હેઠળ વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ગયા વર્ષે સંસદમાં પસાર થયેલા અધિનિયમ મુજબ આ પહેલી નિમણૂક હશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી વડાપ્રધાનની પસંદગી પેનલનો ભાગ બને તેવી શક્યતા છે. અનુપચંદ્ર પાંડેનો કાર્યકાળ લોકસભાની ચૂંટણીને માત્ર થોડા મહિના જ બાકી છે ત્યારે પૂર્ણ થશે.
અધિકારીઓ દ્વારા પુષ્ટિ નહીં : ETV ભારતે આ અંગે પોલ પેનલના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીએ કશું પણ કહેવાથી કિનારો કર્યો હતો. વડાપ્રધાનની મીટિંગ વિશે પૂછવામાં આવતા અધિકારીએ "નો કોમેન્ટ " કહ્યું હતું.
પીએમ મોદીની પહેલી બેઠક : આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના મુખ્ય ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેના સ્થાને નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની બેઠકની અધ્યક્ષતા કરશે, આ બેઠકમાં પીએમ મોદી સહિત ગૃહપ્રધાન અમિત શાહ અને નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીની બનેલી પસંદગી સમિતિની બેઠક પીએમ મોદીના નિવાસસ્થાને આજે મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક અનુમાન પ્રમાણે કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ અને લોકસભામાં કોંગ્રેસના ફ્લોર લીડર અધીર રંજન ચૌધરી સાંજે 7.30 વાગ્યે પીએમના નિવાસી કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં હાજરી આપે તેવી પણ સંભાવનાઓ છે.
નવા મુખ્ય ચૂંટણી કમિશનર પસંદગીની બે શોધ સમિતિ : મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023 હેઠળ આ પ્રથમ નિમણૂક હશે. અત્યાર સુધી સીઇસી અને ઈસી સહિત ભારતના ચૂંટણી પંચના તમામ સભ્યોની નિમણૂક સરકારની સલાહ પર દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી. હવે નવા અધિનિયમ હેઠળ, વડાપ્રધાન, તેમના દ્વારા નામાંકિત કેન્દ્રીય પ્રધાન અને વિપક્ષના નેતા અથવા લોકસભામાં એકમાત્ર સૌથી મોટા વિરોધ પક્ષના નેતા પસંદગી સમિતિની રચના કરે છે જે રાષ્ટ્રપતિને ઉમેદવારની ભલામણ કરશે. પસંદગી પ્રક્રિયામાં બે સમિતિઓ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિ અને કાયદા પ્રધાન તેમ જ બે સચીવસ્તરના અધિકારીઓની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની શોધ સમિતિ પણ કાર્યરત હશે.