મહેસાણા: વડાપ્રધાન અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા મહેસાણા પહોંચ્યા. મહેસાણા જીલ્લાનાં તરભ ખાતે નિર્માણ થયેલ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી રહ્યા. મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ્સ થકી કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ મળશે.
મહા શિવલિંગની પૂજા કરી: તરભ પહોંચીને વડાપ્રધાન મોદીએ રોડ શો કર્યો અને હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું. વાળીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલિંગની પૂજા-અર્ચના કરી. તરભ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત દરેક સમાજના ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા હતા.
વિશાળ રબારી સમાજના સમૂહને PM મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે મોસાળમાં આવવાનો આનંદ જ અનેરો હોય છે. આજથી એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. દેશમાં અત્યારે એક અદભૂત કાળખંડ ચાલી રહ્યો છે. દેવ સેવા અને દેશ સેવા એકસાથે થઇ રહી છે. આજે તરભમાં ભવ્ય મંદિરમાં પૂજા કરવાની તક મળી. 13000 કરોડના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ - શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સથી લોકોનું જીવન વધુ સરળ બનશે.
ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ છે. શિવ મંદિર પરિસરમાં લગાવેલા ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે.