છત્તીસગઢ : વડાપ્રધાન મોદીએ માઁ મહામાઈ કી જયના નારા સાથે સરગુજા લોકસભા સીટની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પીએમ મોદીએ 2013માં અંબિકાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવવાની ઘટનાને યાદ કરી અને તેમને વડાપ્રધાન બનાવવા માટે સરગુજાના લોકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ફરી એકવાર સરગુજાના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને ફરી એકવાર મોદી સરકારના નારા લગાવી રહ્યા છે.
"જો ભારત શક્તિશાળી બનશે તો કેટલીક શક્તિઓની રમત બગડી જશે" : PM મોદી
શંખનાદ રેલીમાં પીએમ મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે હું વિકસિત ભારત કહું છું, ત્યારે કોંગ્રેસ અને વિશ્વની કેટલીક શક્તિઓના માથા ગરમ થઈ જાય છે. જો ભારત આત્મનિર્ભર બનશે તો કેટલીક શક્તિઓની દુકાનો બંધ થઈ જશે. તેથી જ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનને ભારતમાં નબળી સરકાર જોઈએ છે, એવી સરકાર જે આપસમાં લડતા રહે છે, કૌભાંડો કરતા રહે છે. કોંગ્રેસનો ઈતિહાસ દેશને બરબાદ કરવાનો છે.
"કોંગ્રેસ હિંસા ફેલાવનારનું સમર્થન કરે છે" : PM મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભાજપ આતંકવાદ અને નક્સલવાદ સામે કડક કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસ હિંસા ફેલાવનારાઓને સમર્થન આપી રહી છે. જે લોકોને મારી નાખે છે, પોલીસકર્મીઓને મારી નાખે છે, કોંગ્રેસ તેમને શહીદ કહે છે. જ્યારે આતંકવાદીઓ માર્યા જાય છે ત્યારે કોંગ્રેસના સૌથી મોટા નેતાઓ આંસુ વહાવે છે, તેથી કોંગ્રેસે દેશમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે.
"કોંગ્રેસે દેશમાં ધર્મ આધારિત અનામત લાગુ કરવાની યોજના બનાવી" : PM મોદી
વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ફરી પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જે દિવસે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો, એ જ દિવસે મેં કહ્યું- કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. જ્યારે બંધારણ બની રહ્યું હતું ત્યારે દેશના બુદ્ધિશાળી લોકોએ સાથે મળીને નક્કી કર્યું હતું કે ભારતમાં ધર્મના આધારે આરક્ષણ નહીં મળે, દલિતો અને આદિવાસીના નામે અનામત હશે. પરંતુ વોટબેંકની ભૂખી કોંગ્રેસે બંધારણની પરવા ન કરી, બાબા સાહેબના શબ્દોની પરવા ન કરી.
"કોંગ્રેસે કર્ણાટકમાં ધર્મના નામે આરક્ષણ લાગુ કર્યું " : PM મોદી
વર્ષો પહેલા કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાની યોજના બનાવી હતી. આ લોકોએ ધર્મના આધારે સમગ્ર દેશમાં 15 ટકા અનામત આપવાની વાત કરી હતી. 2009ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે તે ધર્મના નામે અનામત આપશે. કોંગ્રેસે કર્ણાટકમાં ધર્મના નામે આરક્ષણ લાગુ પણ કર્યું હતું. જ્યારે ત્યાં ભાજપની સરકાર આવી ત્યારે તેણે બંધારણના વિરુદ્ધ કોંગ્રેસના નિર્ણયને જડમૂળથી ઉખેડી નાખ્યો હતો. દલિતો અને આદિવાસીઓને આરક્ષણ પાછું આપ્યું.
"કોંગ્રેસ બંધારણ બદલવા માંગે છે" : PM મોદી
PM મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે તમામ મુસ્લિમ જાતિઓને OBC ક્વોટામાં મૂકી છે. કોંગ્રેસે સામાજિક ન્યાયનું અપમાન કર્યું છે. કોંગ્રેસ કર્ણાટકના મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. કોંગ્રેસ બંધારણ બદલીને એસટી અને ઓબીસીના અધિકાર પોતાની વોટબેંકને આપવા માંગ છે. કોંગ્રેસના ઈરાદા સંવિધાનના અનુરૂપ નથી. તમારા બંધારણની રક્ષા ફક્ત ભાજપ કરી શકે છે. ભાજપને જંગી સમર્થન આપો, હું તમારું રક્ષણ કરી શકું.
"માતા-બહેનોના મંગળસૂત્ર પર કોંગ્રેસની નજર" : PM મોદી
આ રેલીમાં પીએમ મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી કમાણી, ઘર, દુકાન અને ખેતરો પર છે. કોંગ્રેસના રાજકુમારનું કહેવું છે દેશના દરેક ઘર અને દરેક કબાટનો એક્સ-રે કરીશું. આપણી માતાઓ અને બહેનો પાસે જે સ્ત્રીધન છે, તો કોંગ્રેસ તેની પણ તપાસ કરાવશે. આપણી બહેનો મંગળસૂત્ર પહેરે છે, કોંગ્રેસ તેને તમારી પાસેથી છીનવી લેશે.
"કોંગ્રેસનો પંજા તમારી સંપત્તિ પણ છીનવી લેશે" : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ખતરનાક ઈરાદા એક પછી એક સામે આવી રહ્યા છે. રાજવી પરિવારના રાજકુમારના સલાહકાર અને તેમના પિતાના સલાહકારે કહ્યું હતું કે, મધ્યમ વર્ગના પરિવારના લોકો પર વધુ ટેક્સ લગાવવો જોઈએ. હવે કોંગ્રેસ કહે છે કે તેઓ માતા-પિતા પાસેથી મળેલી વિરાસત પર પણ ટેક્સ લગાવશે. જો પોતાની મહેનતથી સંપત્તિ એકત્ર કરે છે, તે તમારા બાળકોને નહીં મળે પરંતુ કોંગ્રેસનો પંજો તેને પણ છીનવી લેશે. કોંગ્રેસનો મંત્ર, જીંદગીની સાથે પણ જીંદગીની પછી પણ.
"છત્તીસગઢના વૃદ્ધોને મફત સારવાર મળશે" : PM મોદી
4 જૂન પછી છત્તીસગઢમાં દરેક પરિવારના વૃદ્ધ માતા-પિતાને મફત સારવાર મળશે. સરગુજાના 1 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન નિધિના 200 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પહાડી કોરવા, પાંડો, માંઝી આદિવાસીઓ માટે 24,000 કરોડ રૂપિયાની પીએમ જનમન યોજના બનાવી છે. આ યોજના હેઠળ પાક્કા ઘર, વીજળી, આરોગ્ય, શાળા અને કૌશલ્ય વિકાસ તેમના ગામો સુધી પહોંચશે.
"પહેલા મતદાન અને પછી જલપાન, રાષ્ટ્ર નિર્માણની તક ગુમાવશો નહીં" : PM મોદી
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આવતા 5 વર્ષમાં ઘણું કરવાનું છે. સરગુજા સ્વર્ગજા એટલે કે "સ્વર્ગની પુત્રી" છે. આ પ્રદેશને ખૂબ આગળ લઈ જવાનો છે, તેથી દરેક બુથ પર કમળ ખીલવાનું છે. લોકસભા ચૂંટણી 2024 માટે તમારા સેવકને તમારા આશીર્વાદની જરૂર છે. તમારે ફક્ત સાંસદ નહીં દેશનું ઉજ્જવળ ભવિષ્ય ચૂંટવાનું છે. તેથી રાષ્ટ્ર નિર્માણની તક ગુમાવશો નહીં. પછી ભલે ગરમી હોય, લગ્ન હોય, ખેતરનું કામ હોય, ઘરે મહેમાન આવ્યા હોય. તેમ છતાં તમારા સેવક મોદી માટે થોડો સમય કાઢો અને મતદાન કરવા જરૂર જાવ.