મુંબઈ : નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આના પર NCP ઉમેદવાર સુપ્રિયા સુલેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સામા પક્ષે ભાજપ નેતાઓ પણ તેમને વળતો જવાબ આપી રહ્યા છે.
સુપ્રિયા સુલેનો આક્ષેપ : સાંસદ સુપ્રિયા સુલેએ આક્ષેપ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી રહેલા શરદચંદ્ર પવારને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું છે. આ ચૂંટણીમાં તેમને સક્ષમ ઉમેદવાર ન મળતાં તેઓ મારી સામે પવાર પરિવારના ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. મારા માટે આ કોઈ પારિવારિક લડાઈ નથી. આ એક વૈચારિક લડાઈ છે.
ભાજપનો વળતો પ્રહાર : રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ દરેકરનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ રાજકીય લાભ માટે પરિવારોને વિભાજીત કર્યા નથી, જેમ કે બારામતીના સાંસદ સુપ્રિયા સુલે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેઓ તેમની ભાભી સુનેત્રા પવાર વિરુદ્ધ છે.
પવાર પરિવારમાં જંગ : સુપ્રીયા સુલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) સુપ્રીમો શરદ પવારની પુત્રી છે અને બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે નવોદિત સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની છે. તેમની NCP પાર્ટી શિવસેના અને ભાજપ સાથે ગઠબંધન ધરાવે છે.
બારામતી બેઠક : પૂર્વ-રેકોર્ડ કરેલા મેસેજમાં MLC દરેકરે જણાવ્યું હતું કે, સુલેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે પવાર પરિવારમાં ભાગલા પાડ્યા છે. ઉપરાંત તેમણે વિપક્ષી નેતા શરદ પવારના સ્પષ્ટ સંદર્ભમાં કહ્યું કે, સમગ્ર રાજ્ય જાણે છે કે કેટલાંય રાજકારણીના પરિવારમાં કોણે વિભાજન કર્યું અને તેનો લાભ મેળવ્યો છે. રાજ્ય બરાબર જાણે છે કે ઘર તોડનાર કોણ છે. જો સુનેત્રા પવાર માતા સમાન છે તો સુલે તેમની સામે શા માટે લડી રહી છે. બારામતીના સાંસદનું નિવેદન માત્ર રાજકીય લાભ મેળવવા માટેની ભાવનાત્મક અપીલ હતી.
સુપ્રિયા સુલેનું નિવેદન : અગાઉના દિવસે પુણેમાં સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, મારી ભાભી જેને આપણે મરાઠીમાં 'વહિની' કહીએ છીએ, તે માતાના પદ પર રહેશે અને મારા માટે તેમનું માન પહેલા જેવું જ રહેશે. પ્રવિણ દરેકરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલું કામ કર્યું છે કે તેમની સામે કોઈ આંગળી પણ ઉપાડી શકતું નથી. અજિત પવારે પણ એટલું કામ કર્યું છે કે વિપક્ષ કોઈ મર્યાદા દર્શાવી શકતો નથી. સુલેએ પોતાના અભિયાનમાં ભાવનાત્મક અપીલ કરવાની જગ્યાએ રાષ્ટ્રના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સંજય શિરસાટનો વાર : શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે પણ સુલેની ટીકા કરતા કહ્યું કે, જો સુનેત્રા પવારને તેઓ માતા તરીકે માનતી હોય તો તેમને જીતવા દેવા જોઈએ અને તેના ભાઈને ભેટ આપવી જોઈએ. જો પરિવાર ભાજપ દ્વારા વિભાજિત કરવામાં આવ્યો હોય તો પણ સુલેએ પરંપરા અને સંસ્કૃતિ મુજબ કાર્ય કરવું જોઈએ અને સુનેત્રા પવારની જીત સુનિશ્ચિત કરવી જોઈએ.