નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી. આ ઉપરાંત કોર્ટે ED અને CBIને પણ નોટિસ પાઠવી જામીન અરજી પર તેમનો જવાબ માંગ્યો છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી 8મી મેના રોજ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સિસોદિયાને અઠવાડિયામાં એકવાર પત્નીને મળવાની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશને ચાલુ રાખવા કહ્યું છે. શુક્રવારે સવારે સુનાવણી દરમિયાન, સિસોદિયા દ્વારા હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધા બાદ તેમને તેમની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
જાણો સીબીઆઈ અને ઈડીએ શું કહ્યું: આના પર હાઈકોર્ટે સીબીઆઈ અને ઈડીને સૂચના સાથે આવવા કહ્યું. બાદમાં સીબીઆઈ અને ઈડીએ કહ્યું કે, જો સિસોદિયાને તેની પત્નીને મળવા દેવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. ત્યારબાદ કોર્ટે સિસોદિયાને તેમની પત્નીને અઠવાડિયામાં એકવાર મળવાનો આદેશ ચાલુ રાખવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, 30 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસમાં મોટી સંખ્યામાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી: સિસોદિયાએ આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, નફાના માર્જિનને સાત ટકાથી વધારીને 12 ટકા કરવા માટે કોઈ બેઠક કે ચર્ચા કરવામાં આવી નથી. આ નીતિ કેટલાક જથ્થાબંધ વેપારીઓની તરફેણમાં હતી. સુનાવણી દરમિયાન, EDએ કહ્યું હતું કે, સિસોદિયાના વકીલો ટ્રાયલમાં વિલંબને કારણે જ જામીન માટે દબાણ કરી રહ્યા હતા. આ માટે, તેઓએ સોગંદનામું દાખલ કરવું જોઈએ, કારણ કે આ કેસમાં મોટી સંખ્યામાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેથી, એવું કહી શકાય નહીં કે સુનાવણી ધીમી ગતિએ ચાલી રહી છે.