કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે અચાનક તેમની દિલ્હી મુલાકાત રદ કરી દીધી છે. પ્રવાસ રદ કરવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો. જો કે, રાજ્ય સચિવાલયે સીએમ મમતાની દિલ્હી મુલાકાત રદ કરવાના કારણ વિશે સ્પષ્ટ કંઈ કહ્યું નથી.
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, TMC સુપ્રીમોની મુલાકાત સંપૂર્ણપણે રદ કરવામાં આવી નથી. તેઓ શુક્રવારે નવી દિલ્હી જઈ શકે છે. આ પહેલા વહીવટી સૂત્રોમાંથી સમાચાર આવ્યા હતા કે મુખ્યમંત્રી ગુરુવારે બપોરે દિલ્હી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત: લોકસભા ચૂંટણી બાદ આ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત હતી. તેઓ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની જવાના હતાં. તેઓ તૃણમૂલના સાંસદો સાથે બેઠક પણ કરવાની હતી. આ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અંગત મુલાકાત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી.
ઈન્ડિયા બ્લોક સાથે એકતા જાળવી રાખવાનો નિર્ણય?
મહત્વપૂર્ણ છે કે, ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ વિરોધ પક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે જો મમતા બેનર્જી બેઠકમાં હાજર રહ્યાં હોત તો તેનાથી ખોટો સંદેશ ગયો હોત. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું મમતા બેનર્જીએ ઈન્ડિયા બ્લોકની એકતા જાળવી રાખવા માટે પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી તેમની દિલ્હી મુલાકાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર કેન્દ્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા. જેમાં વિશેષ નાણાકીય પેકેજ, સુંદરબન પ્રદેશ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં બંધ બાંધવા માટેની કાયમી યોજના, ઘાટલ માસ્ટર પ્લાન, ફરક્કા બેરેજ અને DVCના અનેક જળાશયોનું નવીનીકરણ, સંપૂર્ણ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે ભંડોળની મંજૂરીનો સમાવેશ થાય છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પહેલા જ કહી ચુક્યા છે કે કેન્દ્રીય બજેટમાં તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. આ કારણે તેઓ 27મી જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.