બેંગલુરુ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં બે ફરાર આરોપીઓની કોલકાતા નજીકથી ધરપકડ કરી છે. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના ભાગેડુ અદબુલ મથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબને કોલકાતા નજીક ઠેકાણા પરથી શોધી કાઢવામાં આવ્યા હતા અને NIA ટીમ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 12 એપ્રિલની સવારે NIAને કોલકાતા નજીક ફરાર આરોપીને શોધવામાં સફળતા મળી હતી. અહીં તેઓ પોતાની ખોટી ઓળખ આપીને છુપાયેલા હતા. બાદમાં આરોપીઓને એનઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને ત્રણ દિવસના એનઆઈએ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
ગયા મહિને NIAએ 30 વર્ષીય તાહા અને શાઝેબના ફોટોગ્રાફ્સ અને વિગત જાહેર કરી હતી. તેમાંથી દરેક માટે 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે શાઝેબ એ આરોપી છે જેણે કાફેમાં IED પ્લાન્ટ કર્યો હતો અને તાહાએ બ્લાસ્ટની યોજના બનાવી અને તેને અંજામ આપ્યો અને પછી તેને કાયદાની ચુંગાલમાંથી બચાવનાર માસ્ટર માઈન્ડ થછે.
NIA એ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક અને કેરળની રાજ્ય પોલીસ એજન્સીઓ સાથે સંકલનમાં કામ કર્યું હતું. NIAએ કહ્યું કે 300 થી વધુ કેમેરાના સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે 2020માં સુરક્ષા એજન્સીઓના રડાર પર ઉભરેલા ISISના બે ઓપરેટિવ શાજીબ અને તાહાએ વિસ્ફોટને અંજામ આપ્યો હતો.
NIAએ આ કેસમાં વધુ બે લોકોને પણ આરોપી બનાવ્યા છે. તેમાંથી એક 26 વર્ષીય માજ મુનીર અહેમદ ઘટના સમયે જેલમાં હતો. બીજો આરોપી 30 વર્ષીય મુઝમ્મિલ શરીફ છે, જેને NIA દ્વારા 27 માર્ચે સેલફોન, નકલી સિમ કાર્ડ અને બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે વપરાતી અન્ય સામગ્રી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તાહાએ તપાસ ટાળવાના પ્રયાસમાં ઓપરેશનને નાણાં આપવા માટે ક્રિપ્ટોકરન્સી રૂટનો ઉપયોગ કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તાહાએ 1 માર્ચના કેફે બ્લાસ્ટ માટે શંસાધનો એકત્ર કરવા માટે મુઝમ્મિલ શરીફને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી હતી. જેના માટે ભારતના વિવિધ ભાગોમાં ISIS માટે ભરતી કરાયેલા લોકોની ચોરીની ઓળખ અને ID સહિત વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.