રાજસ્થાન : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 9 ફેબ્રુઆરીથી NEET-UG 2024 ની પરીક્ષા માટે ઓનલાઈન અરજી મંગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે વિદેશી પરીક્ષા કેન્દ્રની જાહેરાત કરવામાં આવી નહોતી. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે મોડી રાત્રે વિદેશી પરીક્ષા કેન્દ્ર વિશે માહિતી જાહેર કરી છે.પહેલા ભારતીય પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યું હોય અને હવે વિદેશમાં પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો અરજીમાં સુધારો કરી શકે છે. તેઓને વિકલ્પ આપવામાં આવ્યો છે કે, ઓનલાઇન અરજીમાં ભૂલો સુધારવા માટેની કરેક્શન વિંડોમાં પરીક્ષા કેન્દ્ર બદલી શકે છે.
NTA નોટિફિકેશન : કોટાની ખાનગી કોચિંગ સંસ્થાના કરિયર કાઉન્સેલિંગ નિષ્ણાત પારિજાત મિશ્રાએ જણાવ્યું હતું કે, ભારત બહારના 12 દેશોના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના કેન્દ્ર ભારતના પડોશી અને ગલ્ફ દેશોમાં છે. નોંધનીય છે કે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ પરીક્ષા માટે પાછલા વર્ષોમાં પણ વિદેશમાં પરીક્ષા કેન્દ્ર રહ્યા હતા. દર વખતે રજીસ્ટ્રેશન શરૂ થતાંની સાથે જ આની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેવું કર્યું નથી. એટલા માટે પાછળથી અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
કેન્દ્રમાં ફેરફાર કરવાનો વિકલ્પ : પારિજાત મિશ્રાનું કહેવું છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓને એ પણ નિર્દેશ આપ્યો છે કે જે વિદ્યાર્થીઓએ ભારતમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યું છે, આવા વિદ્યાર્થીઓ જ્યારે કરેક્શન વિન્ડો ખુલશે ત્યારે કોઈપણ ફી ચૂકવ્યા વિના વિદેશી શહેર પસંદ કરી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. આ સાથે બહારના દેશોમાંથી ઓનલાઈન અરજી કરનારા ઉમેદવારોએ શહેર બદલતી વખતે ફી વચ્ચેનો તફાવત જમા કરાવવાનો રહેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદેશી ઉમેદવારો માટે 9500 રૂપિયા ફી નક્કી કરી હતી.
વિદેશી પરીક્ષા કેન્દ્ર : પારિજાત મિશ્રાના જણાવ્યા અનુસાર કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, થાઈલેન્ડ, શ્રીલંકા, કતાર, નેપાળ, મલેશિયા, નાઈજીરીયા, બેહરીન, ઓમાન, સાઉદી અરેબિયા અને સિંગાપોરમાં પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાંથી સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી વધુ કેન્દ્ર છે, જેમાં દુબઈ, અબુધાબી અને શારજાહમાં કેન્દ્ર છે. આ સિવાય કુવૈત સિટી, બેંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલાલંપુર, લાગોસ, મનામા, મસ્કત, રિયાદ અને સિંગાપોરમાં કેન્દ્ર છે.