શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના પાંચ સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, પીડિતાનો પરિવાર રૂમમાં હીટિંગ ગેજેટ (બ્લોઅર) ચલાવીને સૂઈ ગયો હતો. તેઓ બધા ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસ માહિતી આપી છે કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.
28 દિવસ પહેલા જન્મેલા એક બાળકનું મૃત્યુ: અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં માતા-પિતા અને તેમના બે સગીર બાળકો અને 28 દિવસ પહેલા જન્મેલા એક બાળકનો સમાવેશ થાય છે. પરિવારના મુખ્ય સભ્ય પિતાની ઓળખ એજાઝ અહેમદ ભટ તરીકે થઈ છે. તે લલિત ગ્રાન્ડ પેલેસ નામની ખાનગી હોટલમાં શેફ હતો. તે મૂળ બારામુલ્લા જિલ્લાના ઉરીનો રહેવાસી હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી અહીં ભાડાના મકાનમાં રહેતો હતો.
ઘરના માલિક મુખ્તાર અહેમદે ખુલાસો કર્યો હતો કે, તેને પીડિત ભટની માતાએ ચેતવણી આપી હતી. તેણી તેના પુત્રનો સંપર્ક કરી શકી ન હતી. મુખ્તારે કહ્યું કે, 'તેણે મને ફોન કર્યો અને કહ્યું કે એજાઝ સાંજે 4 વાગ્યાથી તેના ફોનનો જવાબ આપી રહ્યો નથી. ત્યારબાદ મેં બીજા ભાડૂતને તેમને જોવા માટે મોકલ્યા હતા.
મુખ્તારે વધુમાં જણાવતા કહ્યું કે, 'જ્યારે ભાડૂતે દરવાજો ખટખટાવ્યો અને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે અમે બળપૂર્વક દરવાજો ખોલ્યો અને એજાઝ, તેની પત્ની અને તેમના ત્રણ બાળકો મૃત જોવા મળ્યા.'
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'શંકાસ્પદ ગૂંગળામણનું કારણ હીટિંગ ગેજેટ (બ્લોઅર) હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમજ તપાસની કાર્યવાહી શરૂ કરી હતી.'
હીટિંગ ગેજેટ્સ કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધારે: ખીણની સૌથી ઠંડી રાત્રિ દરમિયાન હીટિંગ એપ્લાયન્સનો ઉપયોગ મોટો ભાગે કરવામાં આવે છે પરંતુ આ ઘટના બાદ આવા સાધનો સુરક્ષાની ચિંતામાં વધારો કરે છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, હીટિંગ ગેજેટ્સનો અનિયંત્રિત ઉપયોગ કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધારી શકે છે. આ કારણે રૂમમાં ઓક્સિજનની કમી ઉદભવે છે અને તેનાથી ગૂંગળામણની સમસ્યા થઈ શકે છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં નવા વર્ષની ઉજવણી કરવા આવેલા ત્રણ યુવાનોનું પણ આવી જ રીતે મોત થયું હતું. ત્રણેય ગેસ્ટ હાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો: