પુણે: મહારાષ્ટ્રમાં શંકાસ્પદ ગુઇલેન બાર સિન્ડ્રોમ (GBS) ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધીને 192 થઈ ગઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આમાંથી 167 દર્દીઓમાં સિન્ડ્રોમની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે દુર્ભાગ્યે આ રોગથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. સોમવારે પુણેમાં 37 વર્ષીય યુવકનું મોત થયું હતું.
હાલમાં, 48 દર્દીઓ ICUમાં દાખલ છે, જેમાંથી 21ને વેન્ટિલેટરની જરૂર છે. સક્રિય કેસોમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 39 દર્દીઓ, પુણેને અડીને આવેલા ગામોના 91, પિંપરી ચિંચવાડના 29, પુણે ગ્રામીણના 25 અને અન્ય જિલ્લાના 8 દર્દીઓનો સમાવેશ થાય છે.
દુષિત પાણીથી દુર રહો
અગાઉ 7 ફેબ્રુઆરીએ જીબી સિન્ડ્રોમના દર્દીઓની સંખ્યા 180 હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જીબી સિન્ડ્રોમના મોટાભાગના કેસો નાંદેડ નજીક સ્થિત હાઉસિંગ સોસાયટીમાંથી નોંધાયા છે. અહીં પાણીના સેમ્પલ લેવામાં આવ્યો હતો, જેમાં કેમ્પીલોબેક્ટર જેજુની પોઝીટીવ મળી આવ્યો હતો. તે પાણીમાં જોવા મળતા બેક્ટેરિયા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ પણ પુષ્ટિ કરી છે કે નાંદેડ અને તેની આસપાસના વિસ્તારોમાં જીબી સિન્ડ્રોમનો પ્રકોપ પ્રદૂષિત પાણીને કારણે થયો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને નાંદેડ અને આસપાસના વિસ્તારોમાં 11 ખાનગી આરઓ સહિત 30 પ્લાન્ટ સીલ કર્યા છે.
અન્ય રાજ્યોમાં પણ કેસ
મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય ચાર રાજ્યોમાં પણ જીબી સિન્ડ્રોમના દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા તેલંગાણામાં એક છે. આસામમાં એક 17 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે, જોકે હાલમાં ત્યાં અન્ય કોઈ સક્રિય કેસ નથી.
30 જાન્યુઆરી સુધીમાં પશ્ચિમ બંગાળમાં બે બાળકો સહિત 3 લોકોના મોત થયા છે. પીડિતોના પરિવારજનો દાવો કરે છે કે આ મૃત્યુનું કારણ જીબી સિન્ડ્રોમ છે, પરંતુ બંગાળ સરકારે હજી સુધી આની પુષ્ટિ કરી નથી.
28 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના જયપુરમાં લક્ષત સિંહ નામના બાળકનું મૃત્યુ થયું હતું, જે છેલ્લા કેટલાક સમયથી જીબી સિન્ડ્રોમથી પીડિત હતો.
ગુઇલેન-બાર સિન્ડ્રોમ (GBS) શું છે?
ગુઇલેન-બાર સિન્ડ્રોમ એ એક દુર્લભ સ્વયંપ્રતિરક્ષા વિકાર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી જ શરીરની ચેતાઓ પર હુમલો કરે છે. આ સ્નાયુઓની નબળાઇ, પીડા અને ગંભીર કિસ્સાઓમાં, લકવાનું કારણ બની શકે છે. તેનું કારણ સામાન્ય રીતે બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ છે.
જોકે, વિગતો પ્રમાણે જીબીએસએ સ્વયંપ્રતિરક્ષા રોગ છે. જે ત્યારે થાય છે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતાઓ પર હુમલો કરે છે. આ રોગ ઘણીવાર બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપને કારણે થાય છે, જેમ કે કેમ્પીલોબેક્ટર જેજુની, જે ગેસ્ટ્રોએન્ટેરિટિસનું કારણ બને છે. જીબીએસ સર્જરી અથવા અમુક રસીકરણ દ્વારા પણ ટ્રિગર થઈ શકે છે. જીબીએસનું ચોક્કસ કારણ અજ્ઞાત છે.
લક્ષણ
નબળાઈ, કળતર, અથવા પગ, હાથ અથવા ચહેરા પર કમજોરી, પગ અથવા હાથમાં સંવેદના ગુમાવવી, શ્વાસ લેવામાં, ગળવામાં અથવા બોલવામાં મુશ્કેલી ચાલવામાં અથવા સીડી ચડવામાં મુશ્કેલી, ડબલ દ્રષ્ટિ, દુખાવો, ખુંચવા અથવા ખેંચાણ જેવો દુખાવો જે રાત્રે વધુ ખરાબ હોઈ શકે છે. મૂત્રાશય અથવા આંતરડા નિયંત્રણ સાથે મુશ્કેલી, ઝડપી હાર્ટ રેટ, લો અથવા હાઈ બ્લડ પ્રેશર જેવા તેના લક્ષણો છે.
નિવારણ અને નિયંત્રણ
અધિકારીઓએ લોકોને પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. જો કોઈને નબળાઈ કે લકવા જેવા લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત તમારા હાથને સારી રીતે ધોવાના છે. દૂષિત પાણી સાથે સંપર્ક ટાળો, ધ્યાન રાખો કે ખોરાક સંપૂર્ણપણે રાંધેલો લોવામાં આવે, ખાસ કરીને માંસ, ઉકાળેલું પાણી પીવો, તાજો અને સ્વચ્છ ખોરાક ખાઓ.