નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં દખલ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે ચૂંટણી નજીકમાં છે અને તેમની નિમણૂક પર સ્ટે અરાજકતા પેદા કરશે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણને કલમ 324ની કલમ 2 વાંચવા જણાવ્યું હતું.
નિર્ણયને લઇ સુપ્રીમનું વલણ : જસ્ટિસ ખન્નાએ જણાવ્યું કે, 'શરૂઆતથી આ નિર્ણય સુધી રાષ્ટ્રપતિ નિમણૂકો કરતા હતા અને એક પ્રક્રિયા સેટ કરવામાં આવી હતી જેે કામ કરી રહી હતી. દેખીતી રીતે આ નિર્ણય ( 2023 )નો હેતુ સંસદ પર કાયદો બનાવવા માટે દબાણ લાવવાનો હતો. આ કોર્ટ એ કહી શકતી નથી કે કેવો કાયદો પસાર કરવાનો છે. એવું નથી કે અગાઉ ચૂંટણી થઈ ન હતી.
અરાજકતા તરફ દોરી જશે : ખંડપીઠે ભૂષણને જણાવ્યું હતું કે 1950થી ચૂંટણી કમિશનર તરીકેે ઘણી નિમણૂકો કરવામાં આવી છે અને જો અરજદારોની દલીલો સ્વીકારવામાં આવશે, તો તે અરાજકતા તરફ દોરી જશે, જ્યારે ચૂંટણીઓ નજીક છે. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ચૂંટણી કમિશનરો સામે કોઈ આક્ષેપો નથી. ભૂષણે સુપ્રીમ કોર્ટને નિર્દેશ આપવા વિનંતી કરી હતી કે ભારતના મુખ્ય ન્યાયાધીશની પેનલે મળવું જોઈએ અને વ્યક્તિઓની પસંદગી કરવી જોઈએ અને બધું કામ કરશે.
સ્ટે આપવાનો સુપ્રીમનો ઇનકાર : સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે 2023માં પસાર થયેલ બંધારણ બેન્ચના ચુકાદામાં એવું નથી કહેવાયું કે સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદામાં પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યનો સમાવેશ કરવામાં આવે અને ભૂષણ એવું ન કહી શકે કે ચૂંટણી પંચ કારોબારીને આધીન છે. સુપ્રીમે 2023ના કાયદા પર સ્ટે આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જેમાં ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવી સિસ્ટમ સૂચવવામાં આવી હતી અને નિમણૂકોને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારની ટીકા પણ કરી હતી.
સરકારના પ્રતિનિધિ અને સુપ્રીમના પ્રશ્નો : કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે 2023નો નિર્ણય સ્પષ્ટ કરે છે કે ઈસી અને સીઈસીની નિમણૂક માટે સંસદે કાયદો પસાર કરવો પડશે. મહેતાએ જણાવ્યું હતું કે એક્ટના અમલ પછી, ઈસીની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી. બેન્ચે કહ્યું કે કેન્દ્રએ 14 માર્ચે પેનલના સભ્યોને ઈસીમાં નિમણૂક માટે ઉમેદવારોની યાદી આપી હતી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે તેણે ઈસી માટે 200માંથી 6 નામ કેવી રીતે શોર્ટલિસ્ટ કર્યા અને કહ્યું કે પસંદગી સમિતિને નિર્ણય લેવા માટે થોડા વધુ દિવસો આપવા જોઈએ. ખંડપીઠે કહ્યું કે કેન્દ્રએ થોડી ધીમી ગતિ કરવી જોઈતી હતી. ખંડપીઠે મહેતાને પૂછ્યું કે જ્યારે વિપક્ષના નેતાએ નામો પર વિચાર કરવા માટે થોડો સમય માંગ્યો તો તેમને વધારાનો સમય કેમ ન મળ્યો?