સુરત : લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.દરેક રાજકીય પાર્ટીઓ વચ્ચે ચૂંટણીલક્ષી ચળવળ પણ શરૂ થઈ ચૂકી છે.ત્યારે પોતાના મતદાતાઓ અને કાર્યકર્તાઓ ને રિઝવવા તેમજ ખુશ કરવા નેતાઓ કામે લાગી ચુક્યા છે.આ વખતની લોકસભાની ચૂંટણી દરમ્યાન પક્ષો નેતાઓ સાડીઓ અને ચૂંટણી લક્ષી સામગ્રીઓના મોટા ઓર્ડર આપી રહ્યા છે.ચૂંટણીને હવે માંડ માંડ દોઢ માસ જેટલો સમય બાકી રહ્યો છે.ત્યારે સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના વેપારીઓને વિવિધ રાજ્યોમાંથી સાડીઓ, ટોપી, ઝંડા અને ખેસના મબલક ઓર્ડર મળી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી વેપાર: ઉદ્યોગ મંદ હોવાનો સુર આલાપી રહેલા વેપારીઓ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે પાર્ટીઓના સિમ્બોલ વાળી સાડી ઝંડા અને ટોપી સહિત ખેસ બનાવનાર વેપારીઓમા નવી આશા જાગી છે. લોકસભા ચૂંટણી સમય મર્યાદા દરમિયાન ઉદ્યોગને એક હજાર કરોડનો વેપાર થવાની આશા સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના વેપારીઓ સેવી બેઠા છે.
સાડીઓ પર પણ પાર્ટીના સિમ્બોલ: ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીના પ્રચાર- પ્રસારના સાહિત્યમાં ઉપયોગી કાપડ ભીવંડી થી મથુરા અને હૈદરાબાદ જાય છે. અહીં પ્રિન્ટિંગ કોસ્ટ સસ્તું હોવાથી રાજકીય પાર્ટીના ઝંડા અને બેનર ખૂબ જ નજીવા ભાવે પાર્ટીના નેતાઓ ખરીદી કરી રહ્યા છે. 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની હાલ ડિમાન્ડ છે. આ સાડીઓમાં ખાસ પક્ષોના જે ચિન્હ હોય છે તે ડિઝાઇન જોવા મળે છે. સાડી પણ પાર્ટીના સિમ્બોલ પર બનાવવામાં આવે છે. ટોપી ચાર પાંચ રૂપિયાથી શરૂ થાય છે અને 60 રૂપિયા સુધી વેચાય છે. ખેસ ત્રણ ચાર રૂપિયાથી શરૂ થઈ 50 રૂપિયા સુધી વેરાઈટીમાં જોવા મળે છે. જ્યારે સાડી રૂ.100 થી શરૂ થઈ 350 રૂપિયા સુધી હોય છે. ઝંડા સાઈઝ અને કાપડ ના પ્રમાણે કિંમત ધરાવે છે. પાંચ રૂપિયાથી શરૂ થઈ જેટલી સાઈઝ નો ઝંડો હશે એટલો પ્રાઈઝ હશે.
5 હજારથી 10 હજારના સ્લોટમાં ઓર્ડર: લોકસભાની ચૂંટણી નજીક છે ,જેને લઈ સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના નાના વેપારીઓને પણ નાના- મોટા ઓર્ડરો મળી રહ્યા છે.સુરત બહારથી મળતા સાડીઓના ઓર્ડર બાદ આ સાડીઓ ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ ને ખુશ કરવા માટે મંગાવવામાં આવી રહી છે. નાના વેપારીઓને સામાન્ય રીતે 500 થી 1000 હજારના સ્લોટ માં આ ઓર્ડર મળી રહ્યા છે.જ્યારે મોટા વેપારીઓને 5 હજારથી 10 હજારના સ્લોટમાં ઓર્ડર મળી રહ્યા છે. જેને લઈ વેપારીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
1000 થી લઈ 1200 કરોડ રૂપિયાની થઇ શકે કમાણી : અન્ય વેપારી સંજય સરાવગી જણાવ્યું હતું કે, જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે. ઝંડા સાડી ખેસ ટોપી તમામ વસ્તુઓ પોલિસ્ટરમાં તૈયાર થાય છે. પોલિસ્ટર સુરત માટે હબ છે. દેશભરમાંથી જ્યાં પણ થી ઓર્ડર આવશે તે સુરતમાં જ આવશે. અમને લાગે છે કે આ લોકસભા સીઝનમાં અમે 1000 થી લઈ 1200 કરોડ રૂપિયાની કમાણી કરીશું. આમ તો ભાજપાના સૌથી વધારે ઓર્ડર ઉત્તર ભારત ભારતમાંથી આવતા હોય છે. પરંતુ આ વખતે સૌથી વધારે દક્ષિણ ભારતથી સૌથી વધુ ભાજપા માટેના ઓર્ડર આવી રહ્યા છે. જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાના, કેરલ અને તમિલનાડુમાંથી સારા ઓર્ડર મળી રહ્યા છે.
સાડીઓમાં અલગ-અલગ વેરાઈટી: 100 રૂપિયાથી માંડી 300 રૂપિયા સુધીની સાડીની ખરીદી માટેનું સેન્ટર હોય તો એકમાત્ર સુરત નું ટેક્સટાઇલ્સ ઉદ્યોગ છે.હાલ ઓર્ડર મળવાના પણ શરૂ થઈ ચૂક્યા છે,જ્યાં હોળી - ધુળેટી બાદ સાડીઓના ઓર્ડર નો મારો જોવા મળશે.લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર થતા જ સાડીઓની ડિમાન્ડમાં વધારો થશે.100 રૂપિયા થી 350 રૂપિયા સુધીની સાડીઓમાં રોટો, દાણી, રેનિમલ મટીરીયલ નો સમાવેશ થાય છે.જેની માંગ વધુ હોવાથી ઓર્ડર પણ મળી રહ્યા છે.જ્યારે 200 રૂપિયા સુધીની સાડીઓમાં 60 ગ્રામ સિફોન, પ્લેન, ટર્કી, વેડલેસ , રંગોળી સહિત એવન- ગ્રેડ વાળી સાડીઓ ની પણ ડિમાન્ડ આવી રહી છે. યુ.પી, ઝારખંડ, રાજસ્થાન, એમ.પી.છત્તીસગઢ,ઉત્તરાખંડ,જેવા રાજ્યોમાંથી સાડીઓના હાલ ઓર્ડર આવી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે કે આ વખતે દક્ષિણ ભારતથી પણ સૌથી વધારે ઓર્ડરો આવી રહ્યા છે.