નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત સાંપ્રદાયિક ભાષણો સામે એફઆઈઆર નોંધવાની માંગણી પર દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી કરશે. જસ્ટિસ સચિન દત્તાની અધ્યક્ષતાવાળી બેંચ સુનાવણી કરશે. 10 મેના રોજ આ અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, તે ચૂંટણી પંચનું કામ સંભાળી શકે નહીં. આ અરજી શાહીન અબ્દુલ્લા, અમિતાભ પાંડે અને દેવ મુખર્જીએ દાખલ કરી છે.
આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ : સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલ નિઝામ પાશાએ કહ્યું હતું કે, વડાપ્રધાને 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં તેમના ભાષણમાં આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓની મિલકત એવા લોકોમાં વહેંચી દેવામાં આવશે જેમના વધુ બાળકો છે અથવા જે ઘૂસણખોર છે. તેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે કોણ નક્કી કરશે. ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેનું કામ સંભાળી શકતા નથી.
કોર્ટે પુરાવા લાવવા કહ્યું : સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી વકીલ સુરુચિ સૂરીએ કહ્યું હતું કે, ફરિયાદો મળ્યા બાદ પંચે શાસક પક્ષને નોટિસ પાઠવી છે અને તેનો જવાબ 15 મે સુધીમાં આવે તેવી શક્યતા છે. જવાબ મળ્યા બાદ કેટલીક કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ હાઈકોર્ટે અરજીકર્તાને આદર્શ આચારસંહિતા સંબંધિત પુરાવા લાવવા કહ્યું હતું.
પીએમ મોદી સહિત અન્ય નેતાઓનો પણ ઉલ્લેખ : અરજીમાં મધ્યપ્રદેશના સાગરમાં 24 એપ્રિલે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધારે આરક્ષણ આપ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં લોકોએ ચૂંટણી પંચને ફરિયાદો કરી હતી. પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચે એક તરફ ચંદ્રશેખર રાવ, આતિશી, દિલીપ ઘોષ અને અન્ય રાજનેતાઓને નોટિસ ફટકારી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નોટિસ પણ ફટકારી નથી અને જે નોટિસ ફટકારવામાં આવી છે તે ભાજપ અધ્યક્ષને છે. અરજીમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.