હૈદરાબાદ : લોકસભા ચૂંટણી 2024 નો બીજો તબક્કો 26 એપ્રિલે યોજાશે, જેમાં પ્રારંભિક સમયપત્રક મુજબ 13 રાજ્યોમાં 89 બેઠકોના 88 સંસદીય મતવિસ્તાર માટે મતદાન થવાનું છે. ગત 9 એપ્રિલે બહુજન સમાજ પાર્ટી (BSP) ઉમેદવાર અશોક ભલવીના મૃત્યુ બાદ ચૂંટણી પંચ દ્વારા મધ્યપ્રદેશની બેતુલ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી છે.
બીજા તબક્કામાં આસામની 5 બેઠક, બિહારની 5 બેઠક, છત્તીસગઢની 3 બેઠક, કર્ણાટકની 14 બેઠક, કેરળની તમામ 20 બેઠક, મધ્યપ્રદેશની 6 બેઠક, મહારાષ્ટ્રની 8 બેઠક, મણિપુરની 1 બેઠક, રાજસ્થાનની 13 બેઠક, ત્રિપુરાની 1 બેઠક, ઉત્તર પ્રદેશમાં 8 બેઠક, પશ્ચિમ બંગાળમાં 3 બેઠક અને જમ્મુ અને કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન થશે.
લોકસભા ચૂંટણી બીજો તબક્કો - મુખ્ય મતવિસ્તારો :
બીજા તબક્કામાં ચૂંટણી થવા જઈ રહેલા મુખ્ય મતવિસ્તારોમાં બિહારના કિશનગંજ, આસામમાં સિલ્ચર, છત્તીસગઢમાં કાંકેર, કર્ણાટકમાં બેંગ્લોર સેન્ટ્રલ અને બેંગલોર દક્ષિણ, કેરળમાં વાયનાડ, કોઝિકોડ અને તિરુવનંતપુરમ, મધ્ય પ્રદેશમાં દમોહ અને રીવા, મહારાષ્ટ્રમાં અકોલા અને અમરાવતી, મણિપુરમાં બાહ્ય મણિપુર, રાજસ્થાનમાં બાડમેર, કોટા, જાલોર અને અજમેર, ઉત્તર પ્રદેશમાં મથુરા અને અલીગઢ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને બાલુરઘાટ તથા J&K માં જમ્મુનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણી બીજો તબક્કો - મુખ્ય ઉમેદવાર :
- રાહુલ ગાંધી (વાયનાડ)
બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા મોટા નામમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્ય છે, જેઓ કેરળના વાયનાડ બેઠક બીજી વખત જીતવાની આશા સાથે પોતાનું નસીબ અજમાવશે. રાહુલ ગાંધીનો સામનો ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રન સામે છે, જ્યારે શાસક ડાબેરીઓએ એની રાજાને સીટ માટે દાવેદાર તરીકે આગળ ધપાવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સામે 55,120 મતોના નોંધપાત્ર માર્જિનથી હાર્યા બાદ રાહુલ ગાંધી 2019ની ચૂંટણીમાં વાયનાડમાં શિફ્ટ થયા હતા. વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI ના પી.પી. સુનીર સામે 706,367 મત મેળવ્યા હતા.
- હેમા માલિની (મથુરા)
જાણીતી અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની ઉત્તર પ્રદેશના મથુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહી છે. આ બેઠક પર હેમા માલિની 2014 થી ભાજપની ટિકિટ પર જીતી રહ્યા છે. આ વખતે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ધનગર ચૂંટણી મેદાને છે.
2019 ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ 5,30,000 મત મેળવ્યા હતા. આ સાથે તેમણે રાષ્ટ્રીય લોકદળ (RLD) ઉમેદવાર કુંવર નરેન્દ્રસિંહ સામે 2,93,000 મતોના મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો.
- અરુણ ગોવિલ (મેરઠ)
રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવવા માટે જાણીતા ટીવી અરુણ ગોવિલને મેરઠ લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગોવિલનો મુકાબલો બસપાના દેવવ્રત કુમાર ત્યાગી અને સપાના સુનીતા વર્મા સામે છે. 2019 માં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે BSP ના હાજી મોહમ્મદ યાકુબ સામે 5.86 લાખથી વધુ મતોથી સીટ જીતી હતી.
અન્ય મુખ્ય ઉમેદવાર : અન્ય મુખ્ય ઉમેદવારોમાં કોંગ્રેસના શશિ થરૂર (તિરુવનંતપુરમ), છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ (રાજનંદગાંવ), કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત (જોધપુર), લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (કોટા), વંચિત બહુજન આઘાડી (VBA) પ્રમુખ પ્રકાશ આંબેડકર (અકોલા) અને ભાજપના બંગાળ પ્રમુખ સુકાંત મજુમદાર (બાલુરઘાટ) સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કાના આંકડા :
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સંસદીય બેઠક પર લગભગ 65 ટકા મતદાન થયું હતું. લોકસભાની 543 બેઠક માટે સાત તબક્કામાં મતદાન થશે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ અને મતગણતરી 4 જૂનના રોજ થશે.