નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 19 એપ્રિલે થનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પંચે આજે બુધવારે સવારે જાહેરનામું બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલા તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર મતદાન થશે. આ તબક્કામાં જે બેઠકો માટે મતદાન થવાનું છે તેના પર ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ વખતે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે.
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જો કે, તહેવારને કારણે બિહારમાં લોકસભા સીટોના પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. બિહારની 40માંથી 4 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. 28મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. બિહાર માટે આ 30 માર્ચે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 20 માર્ચ છે, જ્યારે બિહાર માટે તે 2 એપ્રિલ છે.
19 એપ્રિલે થશે મતદાન:
18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે, ત્યારબાદ આગામી તબક્કામાં 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. પ્રથમ તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થશે તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.