હૈદરાબાદ : લોકસભા ચૂંટણી 2024 ચોથા તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 લોકસભા બેઠક પર મતદાન આજે પૂર્ણ થયું છે. આ સિવાય ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કામાં 20 રાજ્યો અને UTS માં 283 લોકસભા મત વિસ્તારમાં મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
ચોથા તબક્કાનું કુલ મતદાન : લોકસભા ચૂંટણી 2024 ચોથા તબક્કાના મતદાનમાં આંધ્રપ્રદેશમાં તમામ 25 લોકસભા મતવિસ્તાર, બિહારમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 1, ઝારખંડ અને ઓડિશામાં 4, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8, તેલંગાણામાં 17, મહારાષ્ટ્રમાં 11 અને ઉત્તરપ્રદેશમાં 13 લોકસભા બેઠક માટે મતદાન થયું હતું. આજે સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન બાદ દિવસ દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન સમાપ્ત થયા પૂર્વે સાંજે 5 વાગ્યે 10 રાજ્યોમાં કુલ 62.31 ટકા મતદાન નોંધાયું હતું.
1,717 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ : ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચોથા તબક્કાના મતદાનમાં 10 રાજ્યો અને UTSમાંથી કુલ 1,717 ઉમેદવાર મેદાને હતા, જેમાં એક લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 17 છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર 8.97 કરોડ પુરૂષ અને 8.73 કરોડ મહિલા મતદારો સહિત 17.70 કરોડથી વધુ મતદારો આજે મતદાન કરવા માટે પાત્ર હતા. જેમાં 12.49 લાખ 85 વર્ષથી વધુના અને 19.99 લાખ PWD મતદારો નોંધાયેલા છે, આ મતદારો ઘરે બેસીને પણ મતદાન કરી શકશે.
કયા રાજ્યમાં કેટલું મતદાન ? લોકસભા ચૂંટણી 2024 ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 10 રાજ્યોમાંથી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14 ટકા, જમ્મુ અને કાશ્મીર 35.75 ટકા, ઝારખંડમાં 63.14 ટકા, મધ્યપ્રદેશ 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49 ટકા, ઓડિશામાં 62.96 ટકા, તેલંગાણામાં 61.16 ટકા અને ઉત્તરપ્રદેશમાં 56.35 ટકા મતદાન થયું હતું.
ભાજપ નેતા પર પથ્થરમારો : આજના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય બનાવ બન્યો હતો. જેમાં પશ્ચિમ વર્ધમાનમાં TMC સમર્થકોએ બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષની કાર પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. આ બનાવ બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ફિલ્મસ્ટારોએ કર્યું મતદાન : હિન્દુપુર TDP ધારાસભ્ય ઉમેદવાર અને ફિલ્મસ્ટાર બાલકૃષ્ણએ પત્ની વસુંધરા સાથે આંધ્રપ્રદેશમાં હિન્દુપુરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળના આસનસોલ લોકસભા બેઠક પર TMC સાંસદ અને ઉમેદવાર શત્રુઘ્ન સિંહા અને તેમની પત્ની પૂનમ સિન્હાએ મતદાન કર્યું હતું. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, મારી પાસે પટના, મુંબઈ અને આસનસોલમાં 3 ઘર છે. લોકોએ જોયું છે કે હું હંમેશા દરેક પરિસ્થિતિમાં અહીં રહ્યો છું અને તેથી જ હું અહીં આરામથી બેઠો છું. અહીંયા લોકો મને પ્રેમ કરે છે.
BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ડખ્ખો : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાની માહિતી સામે આવી હતી. TMC નેતા રામપ્રસાદ હલદારે કહ્યું કે, સવારે 6 વાગ્યાથી ભાજપના લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમનો વિરોધ કર્યો, મતદારોએ પણ વિરોધ કર્યો. તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
સામા પક્ષે ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ ઘોરુઈએ કહ્યું કે, અમારા પોલિંગ એજન્ટોને વારંવાર દુર્ગાપુરની TN સ્કૂલ સ્થિત પોલિંગ બૂથની બહાર ધકેલી દેવામાં આવી રહ્યા છે. લક્ષ્મણ ઘોરુઈએ આરોપ લગાવ્યો કે, TMC ના ગુંડાઓ બૂથ નંબર 22માંથી અલ્પના મુખર્જી, બૂથ નંબર 83 માંથી સોમનાથ મંડલ અને બુથ નંબર 82 માંથી રાહુલ સાહનીને વારંવાર બહાર કાઢી રહ્યાં હતાં.