ઉત્તરાખંડ : ચારધામ યાત્રા રાબેતા મુજબ ચાલી રહી છે. આ સાથે આગામી ચોમાસાની ઋતુમાં ચારધામ યાત્રા પર આવતા ભક્તોની સંખ્યામાં પણ ઘટાડો થશે. આ જોતા ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે દરરોજ નિર્ધારિત યાત્રીઓની મર્યાદિત સંખ્યાને સમાપ્ત કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં અમર્યાદિત સંખ્યામાં ભક્તો દર્શન કરી શકશે.
સીએમ ધામીની સૂચના : મુખ્યપ્રધાન ધામીના નિર્દેશ બાદ ગઢવાલ કમિશનર અને ચારધામ યાત્રા પ્રશાસનના અધ્યક્ષ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઋષિકેશ અને હરિદ્વારમાં ચાર ધામોની મુલાકાત માટે નક્કી કરેલ મર્યાદાને સમાપ્ત કરી દેવામાં આવી છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન ચાલુ : ચારધામ યાત્રા પ્રશાસનના પ્રમુખ વિનયશંકર પાંડેએ જણાવ્યું કે, હાલમાં ચાર ધામોમાં ભક્તોની ભીડ સામાન્ય થઈ ગઈ છે. જેના કારણે મુખ્યમંત્રીની સૂચનાથી અને જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે ઋષિકેશ અને હરિદ્વારમાં ચાર ધામની મુલાકાત લેવા માટેનો ક્વોટા નાબૂદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યાત્રીઓ ઋષિકેશ અને હરિદ્વારના રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી કોઈપણ મર્યાદા વિના ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પ્રવાસ પર જઈ શકે છે.
યાત્રિકો દોઢ ગણા વધ્યા : ગઢવાલના કમિશનર વિનયશંકર પાંડેએ વધુમાં જણાવ્યું કે, ચાર ધામોમાં દર્શન કરવા જનારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચારધામ યાત્રાળુઓની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. ગત વર્ષે ચારધામ યાત્રા શરૂ થયા બાદ એક મહિનામાં 12,35,517 ભક્તોએ ધામોની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે એક મહિનામાં 19,64,912 ભક્તોએ ચારેય ધામોના દર્શન કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ દોઢ ગણી વધુ છે.