કોલકાતા : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખની મુશ્કેલી વધી રહી છે. હાલમાં મળતી માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે શાહજહાં શેખના નજીકના વેપારીઓના કોલકતા સહિત અન્ય સ્થળ પર સ્થિત પ્રોપર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ જમીન પચાવી પાડવાના મામલે ED એ શાહજહાં શેખ વિરુદ્ધ નવો કેસ પણ નોંધી ચોથું સમન્સ પણ જાહેર કર્યું છે.
રાશન વિતરણ કૌભાંડ કેસ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બંગાળ રાશન વિતરણ કૌભાંડ કેસ મામલે TMC નેતા શાહજહાં શેખને હાજર થવા માટે ચોથું સમન્સ જાહેર કર્યું છે. આ સમન્સમાં શાહજહાંને 29 ફેબ્રુઆરીએ કોલકાતામાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રાશન વિતરણ કૌભાંડમાં TMC નેતા શાહજહાં મુખ્ય આરોપી છે. આ સાથે જ તેના વિરુદ્ધ જમીન પચાવી પાડવાના મામલે નવો કેસ નોંધવામાં આવ્યો છે. આ સંબંધમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
10 હજાર કરોડનું કૌભાંડ : તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે બંગાળ રાશન કૌભાંડમાં આશરે 10 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. આ કેસમાં ED દ્વારા અગાઉ મમતા સરકારના પૂર્વ પ્રધાન જ્યોતિપ્રિય મલિકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 5 જાન્યુઆરીના રોજ જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગઈ ત્યારે તેમના પર હુમલો કર્યો હતો.
રાજકારણ ગરમાયું : આ કૌભાંડને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. TMC એ પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર તાનાશાહી વલણ અપનાવી રહી છે. સરકારે મનરેગાનું ફંડ આપવાનું બંધ કરી દીધું છે. જેના જવાબમાં ભાજપે કહ્યું કે રાજ્યની મમતા સરકાર આ ફંડથી ભ્રષ્ટાચાર કરી રહી છે.