દુબઈ/નવી દિલ્હી: દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય છે. આ દુર્ઘટનામાં 40થી વધુ ભારતીય સહિત 49 લોકોના મૃત્યુ થયાં છે. ઘટનાને પગલે યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી બીજી તરફમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, આ ઈમારતમાં બહારના દેશોના આશરે 195 જેટલા શ્રમિકો રહેતા હતાં. 42 મૃતક ભારતીય શ્રમિકોમાં 19 કેરળના હોવાની પુષ્ટી થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અલ-મંગાફ બિલ્ડિંગમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 49 છે, જેમાંથી 42 ભારતીય છે, બાકીના પાકિસ્તાની, ફિલિપિનો, ઇજિપ્તીયન અને નેપાળી નાગરિકો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાય છે. અધિકારીઓએ જણાવ્યું કે કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગાફ વિસ્તારમાં બુધવારે સવારે છ માળની ઇમારતના એક કિચનમાં આગ લાગી હતી.
કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે બુધવારે સત્તાવાળાઓને એક એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં મોટાભાગે ભારતીય કામદારોના રહેઠાણમાં લાગેલી આગની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતાં.
ગઈકાલે ફોરેન્સિક વિભાગના મહાનિર્દેશક મેજર જનરલ ઈદ અલ-ઓવૈહાને જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 35 થી વધુ થઈ ગયો હતો, જેમાં 15 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચારનું મૃત્યુ થયું હતું, એમ અંગ્રેજી દૈનિક અરબ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના ભારતીય નાગરિકો હતા, જેની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હતી.
મહત્વપૂર્ણ છે કે, કુવૈત, અન્ય પર્સિયન ગલ્ફ દેશોની જેમ, માઈગ્રન્ટ કામદારોનો એક વિશાળ સમુદાય ધરાવે છે જે સ્થાનિક વસ્તી કરતા વધુ છે. લગભગ 4.2 મિલિયન લોકો ધરાવતો આ દેશ યુએસ રાજ્ય ન્યુ જર્સી કરતા થોડો નાનો છે, પરંતુ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તેલ ભંડાર ધરાવે છે. 2022માં ઓઈલ રિફાઈનરીમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે કુવૈત શહેરમાં આગની ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. પીએમ મોદીએ કહ્યું કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પીડિતોને મદદ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત સરકારે મૃતકો શ્રમિકોના પરિવારને 2-2 લાખ સહાયની જાહેરાત કરી છે.
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
ભાજપના નેતા સાઈના એનસીએ પણ ઘટનાને ખુબ કરૂણ ગણાવી છે, જેમાં ભારતીય શ્રમિકોના મોતને લઈને પોતાની દુખની લાગણી વ્યક્ત કરી હતી.