વારાણસીઃ જિલ્લાના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પૂરપાટ ઝડપે આવતા બાઇક સવારે 4 વર્ષની એક બાળકીને કચડી નાખી હતી. જેના કારણે બાળકી લોહીલુહાણ થઈને ઘાયલ થઇને રોડ પર પડી હતી અને ત્યારબાદ પરિવારના સભ્યો તેને તાકીદે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું હવે હ્રદયમાં કંપારી છૂટી જાય તેવા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બાઇક સવારે ટક્કર મારી: જણાવવામાં આવી રહ્યું છે કે, વારાણસીના ચૌબેપુર વિસ્તારમાં 4 વર્ષની બાળકી કાવ્યા તેના કોન્સ્ટેબલ પિતા કરણ ગુપ્તા સાથે ચૌબેપુરથી પાંડેપુર આવવા માટે રોડ પર ઉભી હતી, ત્યારે પૂરપાટ આવતા એક બાઇક સવારે ટક્કર મારી હતી જેના કારણે બાળકી 60 મીટર દૂર જઇને ફંગોળાઇ ગઇ હતી. ઘટના બાદ બાઇક સવાર ઇજાગ્રસ્ત બાળકીને છોડીને ભાગી ગયો હતો. આ પછી લોકોએ બાળકીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સીસીટીવી સામે આવ્યા: આ હ્રદય દ્રાવક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાવ્યા તેના પિતા સાથે બસ પકડવા માટે રોડ પર ઉભી હતી, ત્યારે અચાનક તે રોડ પર આવી અને પૂરપાટ ઝડપે આવતી બાઇકની ટક્કરથી બાળકીનું મોત નીપજ્યું હતું. ચૌબેપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ કરણ ગુપ્તા પોતાના પરિવાર સાથે પોતાના ભાઈ જે લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત એસઆઈ સંતોષ કુમાર ગુપ્તાના ઘરે જવા માટે રોડ કિનારે બસની રાહ જોઈ રહ્યા હતા.
પરિવાર પર આભ તૂટ્યુ: કોન્સ્ટેબલ કરણની સાથે તેની પુત્રી કાવ્યા રસ્તાના કિનારે ઉભી હતી, જ્યારે તેનો પુત્ર અને પત્ની બીજી બાજુ પર ઉભા હતા. ત્યારપછી જેવી બાળકી પોતાની માતા પાસે જવા માટે આગળ વધી ત્યારે બાઇક સવારે તેને જોરથી ટક્કર મારી હતી આ ગંભીર અકસ્માત બાદ પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. સાથે જ પોલીસે અજાણ્યા બાઇક સવાર સામે ગુનો નોંધીને તેની સામે શોધખોળ શરૂ કરી છે.