નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે કાનપુરના તમાકુ કંપનીના માલિકના ઘરે દરોડા પાડ્યા હતા. કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત 20 જગ્યાએ ઈન્કમ ટેક્સના દરોડા ચાલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેનું ટર્નઓવર 20 થી 25 કરોડ રૂપિયા દર્શાવ્યું છે પરંતુ વાસ્તવમાં આ ટર્નઓવર 100-150 કરોડ રૂપિયાની આસપાસ છે. દક્ષિણ દિલ્હીમાં આજે સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર દિલ્હીના ઘરમાં 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની મોંઘી લક્ઝરી કાર્સ મળી આવી છે. જેમાં 16 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ફેન્ટમનો પણ સમાવેશ થાય છે. બંશીધર ટોબેકો કંપનીના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરે તપાસ કરવામાં આવતા મેકલેરેન લેમ્બોર્ગિની, ફેરારી, રોલ્સ રોયસ જેવી લક્ઝરી કાર્સ મળી આવી હતી. હાલમાં ઈન્કમ ટેક્સ વિભાગને 100 કરોડની કરચોરીના પુરાવા મળ્યા છે.
ગઈકાલે 29 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે કાનપુરના નયાગંજ સ્થિત બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમાકુ કંપની તેના ખાતામાં નકલી ચેક ઈશ્યૂ કરતી હતી પરંતુ બીજી તરફ તે અન્ય મોટા પાન મસાલા હાઉસને ઉત્પાદનો સપ્લાય કરતી હતી. તમાકુ કંપનીએ તેના ખાતામાં ઓછું ટર્નઓવર દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવમાં તેનું ટર્નઓવર 100-150 કરોડ રૂપિયાની આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે, તમાકુના બિઝનેસ મેન મુન્ના મિશ્રા બંશીધર ટોબેકો કંપનીના માલિક છે. તેઓ ઘણા રાજ્યોમાં બિઝનેસ ધરાવે છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં રહે છે. જ્યારે તેમનો બિઝનેસ અમદાવાદમાં સૌથી વધુ ફેલાયેલ છે.