બારાબંકીઃ ગુરુવારે મોડી રાત્રે કુર્સી-મહમૂદાબાદ રોડ પર બે કાર અને એક ઈ-રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા જેઓ તમામ બારાબંકીના રહેવાસી હતા. જ્યારે 8 વર્ષની બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બધા સીતાપુર જિલ્લાના મહેમુદાબાદમાં એક પરિચિતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઈ-રિક્ષા દ્વારા જઈ રહ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.
ગુરુવારે મોડી રાત્રે, બદ્દુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુર્સી-મહમૂદાબાદ રોડ પર ઇનૈતાપુર ગામ નજીક બે કાર અને ઇ-રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. એક કાર બેકાબૂ બનીને રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. ફતેહપુરથી લખનૌ તરફ જઈ રહેલી એક ઝડપી કારે પહેલા ઈ-રિક્ષાને ટક્કર મારી હતી. આ પછી તે સામેથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી.
ઈ-રિક્ષામાં એક જ પરિવારના 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને બધા જ રસ્તા પર પડ્યા હતા અને પીડાથી આક્રંદ સાથે મદદની પુકાર કરી રહ્યાં હતાં. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ 02 ઇજાગ્રસ્તોને સીએચસી ઘૂઘટેર લઇ ગઇ હતી. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. છ ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણના મોત થયા હતા.
પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે, કુર્સી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરાની રહેવાસી 8 વર્ષની બાળકી સહિત એક જ પરિવારના 8 લોકો ઈ-રિક્ષામાં સીતાપુરના મહેમુદાબાદમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બાળકી સહિત ત્રણ લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 5ના મોત થયા છે.