વિલુપ્પુરમ: તામિલનાડુ તાજેતરના ચક્રવાત ફેંગલના કારણે ગંભીર પૂર સામે ઝઝૂમી રહ્યું છે. ભારે વિનાશ વચ્ચે, એક યુવાનનું બહાદુર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સમાચાર અનુસાર, ચક્રવાતી તોફાન ફેંગલના કારણે થયેલી તબાહી દરમિયાન વિલુપુરમ જિલ્લાના દેવનુર ગામમાં એક ત્રણ મહિનાનું બાળક પૂરમાં ભરાયેલા ઘરમાં ફસાઈ ગયું હતું. પાણીનું સ્તર ઝડપથી વધવાથી, ઘણા સ્થાનિક લોકોએ તેમના જીવન બચાવવા માટે તેમના ધાબા પર આશ્રય લીધો હતો. આ કુદરતી આફત દરમિયાન જ સ્થાનિક ચિત્રકાર અરુમુગમે અસાધારણ હિંમત દાખવી હતી.
ત્રણ મહિનાના બાળકને બચાવવા અરુમુગમ પોતાના જીવની પરવા કર્યા વિના પૂરના પાણીમાં કૂદી પડયો હતો. જોકે તેણે રક્ષણ માટે પોતાની જાતને દોરડા વડે બાંધી લીધી હતી. પૂરમાં ફસાયેલા બાળકને બચાવવા માટે તેને નવો આઈડિયા આવ્યો. તેણે સાવધાનીપૂર્વક એલ્યુમિનિયમના મોટા વાસણની મદદથી માસૂમ બાળકને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યું. ફિલ્મ 'બાહુબલી'ના એક સીનની યાદ અપાવતા આ યુવકની બહાદુરી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
તમિલનાડુના અન્ય ઘણા ગામો પણ પૂરથી પ્રભાવિત થયા છે. તિરુવેન્નૈનાલ્લુર, આરાસુર અને વારકી અમ્માન મંદિર નજીકના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કાર્ય માટે શરૂઆતમાં હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે તેને પરત ફરવું પડ્યું હતું.
જો કે, હવે ધીમે ધીમે પાણીનું સ્તર ઘટી ગયું છે અને લોકો રાહતનો શ્વાસ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. સાથે જ આ યુવકે કરેલા નિઃસ્વાર્થ કાર્યની હવે સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તેમણે એક બાળકને મુશ્કેલીમાં બચાવીને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.