નવી દિલ્હી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેણે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. ઈડી દ્વારા તેમની ધરપકડને કાયદેસર ગણાવીને હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
કપિલ સિબ્બલે અરજી વિશે જણાવ્યું : આપનેે જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચમાં હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ હેમંત સોરેનની અરજી વિશે જણાવ્યું હતું. તેણે કોર્ટને અપીલ કરી કે તે કેસની સુનાવણી માટે તાત્કાલિક યાદી આપે. તેમણે આ માટે લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ આ વિનંતી પર વિચાર કરશે.
પુરાવા અને દસ્તાવેજો ખોટા નથી લાગતા : તમને જણાવી દઈએ કે લાંબી પૂછપરછ બાદ ઈડીએ 31 જાન્યુઆરીએ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં તેમની ધરપકડ કરી હતી. હાલ તેમને બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન ઝારખંડ હાઈકોર્ટે કહ્યું હતું કે હેમંત સોરેન વિરુદ્ધ મળેલા પુરાવા અને દસ્તાવેજો ખોટા નથી લાગતા. અરજદારે કહ્યું હતું કે તેના દિલ્હીના ઘરેથી મળેલા રુપિયા તેના હતાં અને તે તેમના માતાપિતાની સારવાર માટે હતાં. આના પર કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ અસ્વીકાર્ય લાગે છે.
હાઈકોર્ટે શું કહ્યું હતું : હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે પીએમએલએની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનો પર જ અરજદાર વિરુદ્ધ ઈડી દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી આધારિત નથી. તેમાં એવા લોકોના નિવેદનો પણ છે જેમણે પોતાને આ મિલકતોના વાસ્તવિક માલિક તરીકે જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે ધરપકડ, પોલીસ અને ન્યાયિક કસ્ટડી માટે દસ્તાવેજોની ભરમાર છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એ માનવું યોગ્ય નથી કે ઈડીએ કોઈપણ કારણ વગર હેમંત સોરેન વિરુદ્ધ કાર્યવાહી કરી છે.