નવી દિલ્હીઃ મુંબઈ ભાજપના પ્રવક્તા સુરેશ કરમશી નખુઆની માનહાનિની અરજી પર સુનાવણી કરતા દિલ્હીની સાકેત કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠીને નોટિસ ફટકારી છે. ધ્રુવ રાઠી ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ ગૂગલ અને એક્સ (ટ્વિટર)ને પણ નોટિસ પાઠવી છે. કેસની આગામી સુનાવણી 6 ઓગષ્ટે થશે.
સુનાવણી દરમિયાન વકીલ રાઘવ અવસ્થી અને મુકેશ શર્માએ નખુઆનું પ્રતિનિધિત્વ કરતા ધ્રુવ રાઠી પર 'માય રિપ્લાય ટુ ગોદી યુટ્યુબર્સ' શીર્ષકવાળા યુટ્યુબ વિડીયોમાં બદનક્ષીભર્યા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો છે. અરજી અનુસાર ધ્રુવ રાઠીએ નખુઆને હિંસક અને અપમાનજનક ટ્રોલર ગણાવ્યો છે. નખુઆએ એક અરજી દ્વારા ધ્રુવ રાઠી પાસેથી 20 લાખ રૂપિયાના દંડની માંગણી કરી છે.
ધ્રુવ રાઠીએ તેમના વીડિયોમાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંકિત જૈન, સુરેશ નખુઆ અને તેજેન્દર બગ્ગા જેવા હિંસક અને અપમાનજનક ટ્રોલર્સને તેમના સત્તાવાર નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. ધ્રુવ રાઠીના તે વીડિયોને 24 મિલિયન વ્યૂઝ મળ્યા છે જ્યારે તેને 2.3 મિલિયન લાઈક્સ મળી છે. જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ-તેમ આ વીડિયોના વ્યૂઝ અને લાઈક્સ વધી રહ્યા છે.
નખુઆએ કહ્યું છે કે ધ્રુવ રાઠીના આ વીડિયોએ તેમની પ્રતિષ્ઠાને ઘણી કલંકિત કરી છે. આ વીડિયોના કારણે લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે અને તેની અંગત અને વ્યાવસાયિક જીવન પર નકારાત્મક અસર પડી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવ રાઠી સતત લોકોને બદનામ કરવાના કામમાં લાગેલા છે અને તે પોતાના ફોલોઅર્સ દ્વારા ઓનલાઈન ધમકીઓ પણ આપે છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ધ્રુવ રાઠીને ટ્વિટર પર વધુ વીડિયો પોસ્ટ કરવાથી રોકવામાં આવે.