ચંદીગઢ : ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકર જીતતાની સાથે જ 30 જાન્યુઆરી, મંગળવારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસમાં ભારે હોબાળો થયો હતો. ચંદીગઢ મેયરની ચૂંટણી રદ કરવા માટે ઈન્ડિયા એલાયન્સે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારની અરજી પર સુનાવણી થઈ હતી.
ચંદીગઢ પ્રશાસને સમય માંગ્યો : હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઈ છે. ચંદીગઢ પ્રશાસને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે પંજાબ એજીને કહ્યું કે, ચંદીગઢ પ્રશાસનને જવાબ આપવા દો, જો કોર્ટ સંતુષ્ટ નહીં થાય તો રેકોર્ડ મંગાવવામાં આવશે.
પંજાબ AG નું નિવેદન : હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પંજાબના AG ગુરમિંદરસિંહ ગેરીએ કહ્યું કે, આ કહેવું શરમજનક છે કે 30 જાન્યુઆરી, મંગળવારે મેયરની ચૂંટણીમાં જે થયું તે સમગ્ર દેશે જોયું. વીડિયો ઓન રેકોર્ડ મૂકવામાં આવ્યો છે. અધિકારીએ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. બેલેટ પેપર સાથે છેડછાડ કરવામાં આવી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હાઈકોર્ટના આદેશોની અવગણના કરવામાં આવી છે. મેયરની ચૂંટણી દરમિયાન જે કંઈ થયું તે પેન ડ્રાઈવમાં છે, હાઈકોર્ટ જોઈ શકે છે.
આ સાથે કોર્ટમાં સુનાવણી દરમિયાન પંજાબના AG એ કહ્યું કે, અન-ઈલેક્ટેડને ઈલેક્ટેડ કેવી રીતે બનાવી શકાય. પહેલા તો પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ મોડા આવ્યા પછી કેટલાક બેલેટ પેપર પહેલાથી જ માર્ક થયેલા હતા. કાઉન્ટીંગ એજન્ટો ત્યાં હાજર હતા, પરંતુ પ્રિસાઇડીંગ ઓફિસરને આવવા દેવામાં આવ્યા ન હતા. બાદમાં 20 વોટમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારના 8 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. પંજાબના AG એ કોર્ટમાં પૂછ્યું કે, શું અમે હાઈકોર્ટના આદેશ પછી આવી પ્રથા સ્વીકારી શકીએ છીએ, જ્યારે તેમણે કહ્યું હતું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે.
પંજાબના AG એ કોર્ટમાં અપીલ કરી છે કે, મેયરની ચૂંટણીનો રેકોર્ડ મંગાવવામાં આવે અને રજીસ્ટર ઓફિસમાં રાખવામાં આવે. ત્યારબાદ ચંદીગઢ પ્રશાસનને નોટિસ જાહેર કરી અને રિસ્પોન્સ ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પંજાબના AG કહ્યું કે, ચૂંટણીના પરિણામો આવ્યા નહોતા ત્યારે અમે ઉલ્લેખ કર્યો હતો અને આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. ચંદીગઢ પ્રશાસને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો છે. તેના પર એજીએ કહ્યું કે કાર્યકાળ એક વર્ષનો છે, અગાઉની તારીખ આપવામાં આવે. તેના પર ચંદીગઢ પ્રશાસને કહ્યું છે કે અમે ડેટા સુરક્ષિત રાખ્યો છે.