નવી દિલ્હી: હાથરસ ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શુક્રવારે રાત્રે દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. હાથરસ ભાગદોડ દુર્ઘટના બાદ મધુકર સતત પોલીસથી બચતો અને નાસતો-ફરતો હતો. તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આજે દેવ પ્રકાશ મધુકરને હાથરસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે દેવ પ્રકાશ મધુકરે આત્મસમર્પણ કર્યું છે. યુપીની હાથરસ પોલીસ દિલ્હીના નજફગઢ-ઉત્તમ નગર વચ્ચે આવતી એક હોસ્પિટલમાં પહોંચી હતી અને અહીં દેવ પ્રકાશે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હાથરસ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આપને જણાવી દઈએ કે 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ બાદ સર્જાયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ નાસભાગ બાદ અકસ્માતના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શોધ ચાલી રહી હતી.
વકીલ એપી સિંહે કહ્યું- અમે સરેન્ડર કર્યું
સુપ્રીમ કોર્ટમાં ભોલે બાબાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા એડવોકેટ એપી સિંહે કહ્યું છે કે, દેવ પ્રકાશ મધુકરે SIT અને STF સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મેં વચન આપ્યું હતું કે અમે કોઈપણ આગોતરા જામીનનો ઉપયોગ કરીશું નહીં. કોઈ અરજી નહીં કરીએ અને કોઈ કોર્ટમાં જઈશું નહીં, કારણ કે અમે શું કર્યું છે? અમારો ગુનો શું છે? અમે તમને કહ્યું હતું કે અમે દેવ પ્રકાશ મધુકરને આત્મસમર્પણ કરાવીશું, તેને પોલીસ પાસે લઈ જઈશું, તેની પૂછપરછ કરીશું, તપાસમાં સહયોગ કરીશું. અમે તેને SIT અને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી દીધો છે. હવે સંપૂર્ણ તપાસ થઈ શકશે. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, તેઓ હૃદયના દર્દી છે. તેની સાથે કંઈ ખોટું ન હોવું જોઈએ.
કોણ છે દેવ પ્રકાશ મધુકર?
મધુકર કથાકાર સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનો મુખ્ય સેવક છે. કથાકાર ભોલે બાબાના એડવોકેટ એપી સિંહે દાવો કર્યો છે કે મધુકરે ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. એડવોકેટ સિંહે એવો પણ દાવો કર્યો છે કે દેવ પ્રકાશ મધુકર હૃદયના દર્દી છે જેની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
હાથરસ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
સૂત્રોનું કહેવું છે કે યુપી પોલીસ દિલ્હીના નજફગઢ ઉત્તમ નગર સ્થિત એક હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં દેવ પ્રકાશે હાથરસ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હાથરસ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી હોવાનું કહેવાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેવ પ્રકાશ મધુકરનો ECG રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ વકીલ એપી સિંહે યુપી પોલીસને જાણ કરી હતી. આ પછી જ યુપી એસટીએફની ટીમે મધુકરની દિલ્હીથી ધરપકડ કરી હતી. આ પહેલા પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ પણ કરી હતી.
રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ પીડિતોને મળ્યા હતા
નોંધનીય છે કે 2 જુલાઈ મંગળવારના રોજ યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગની સમાપ્તિ બાદ અચાનક ભાગદોડ મચી ગઈ હતી જેમાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા. આ મામલાને લઈને રાજનીતિ પણ એકદમ ગરમ થઈ ગઈ છે અને રાજકીય પક્ષો એકબીજા પર અનેક આરોપો લગાવી રહ્યા છે. આ બનાવના સંદર્ભમાં લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ પણ હાથરસ દુર્ઘટનાના પીડિતોના ઘણા પરિવારોને મળ્યા હતા અને પીડિતોના પરિવારોને યોગ્ય અને વહેલી તકે વળતર આપવા માટે યુપી સરકાર પાસે માંગ કરી હતી.