દેહરાદૂન (ઉત્તરાખંડ): કોલકાતામાં એક મહિલા ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલને લઈને દેશભરમાં આક્રોશ છે, ત્યારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દેહરાદૂનના ISBTમાં પંજાબની એક સગીરા પર બસમાં સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળ કલ્યાણ સમિતિની ટીમે બાળકીને ISBTમાંથી રેસક્યૂ કર્યુ હતું. કાઉન્સેલિંગ બાદ સમિતિએ શનિવારે કોતવાલી પટેલ નગરની ISBT પોસ્ટ પોલીસ ચોકીમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો અને ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં બે શકમંદોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અર્ધબેભાન હાલતમાં મળી સગીરા: મળતી માહિતી મુજબ પંજાબની રહેવાશી 16 વર્ષીય સગીરા મુરાદાબાદથી યુપી રોડવેઝની બસમાં ચડી હતી. તે 13 ઓગસ્ટના રોજ લગભગ 2.30 વાગ્યે ISBT દેહરાદૂન પહોંચી હતી. એવી આશંકા છે કે, બસ ખાલી થયા બાદ લગભગ પાંચ લોકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ આરોપીઓ યુવતીને બસમાંથી બહાર કાઢીને ભાગી ગયા હતા. બાળ કલ્યાણ સમિતિની હેલ્પલાઇન ટીમને સગીરાને ISBTની બહાર અસ્ત-વ્યસ્ત હાલતમાં મળી હતી. જ્યારે સમિતિએ યુવતીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેણે પોતાની આપવીતી સંભળાવી હતી, સમિતિના સભ્યો શનિવારે રાત્રે ISBT પોસ્ટ પર પહોંચ્યા અને ઘટનાની જાણકારી આપી.
બહેન અને બનેવીએ સગીરાને ઘરમાંથી કાઢી મુકી હતી: બાળ કલ્યાણ સમિતિના સભ્ય પ્રીતિના જણાવ્યા અનુસાર, સગીરાએ કહ્યું છે કે તે પંજાબની રહેવાસી છે અને તેના માતા-પિતાનું અવસાન થયું છે. 11 ઓગસ્ટના રોજ તેની બહેન અને ભાભીએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ તે પંજાબથી દિલ્હી, પછી મુરાદાબાદ અને પછી દેહરાદૂન પહોંચી હતી. સગીરાએ જણાવ્યું કે તે લાલ રંગની બસ હતી, તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે બસ ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની હતી.
આ કેસમાં પોલીસે શું કહ્યું: એસએસપી અજય સિંહે જણાવ્યું કે ઘટનાની માહિતી મેળવવા તેઓ પોતે ISBT પોસ્ટ પર પહોંચ્યા હતા અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગેંગ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ISBTના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.