બેંગલુરુ: કથિત જાતીય સતામણીના કેસમાં હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે CID સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, '2021માં જ્યારે હું પ્રજ્વલ રેવન્નાને કોઈ કામ માટે મળવા ગઈ ત્યારે તેણે મને ધમકી આપી અને તેના ક્વાર્ટરમાં મારી સાથે રેપ કર્યો. વીડિયો બનાવ્યો અને કોઈને કહીશ તો વાઈરલ કરવાની ધમકી આપી હતી. તેણે મારા પર બંદૂક તાકી અને મને અને મારા પતિને મારી નાખવાની ધમકી આપી અને ઘણી વખત મારી સાથે બળાત્કાર કર્યો.
આઈટી એક્ટ હેઠળ FIR નોંધાઇ: હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે IPC કલમ 376 (2)n - ધાકધમકી આપીને મહિલા પર બળાત્કાર, 506 - ગુનાહિત ઈરાદા સાથે ધાકધમકી, 354A1 - જાતીય માંગ, 354B - ગુનાહિત ઈરાદા સાથે મહિલા પર હુમલો, 354C મહિલાના અંગત અંગોને તેની ઈચ્છા વિરુદ્ધ પકડી રાખવું, અને સીઆઈડી સાયબર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. હસન પેન ડ્રાઈવ કેસની પહેલાથી જ તપાસ કરી રહેલી SITએ હવે બીજી એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ તેજ કરી છે. પ્રજ્વલ રેવન્ના વિદેશ ગયા છે, પરત આવતા તેમના વિરુધ્ધ SIT કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
એચડી રેવન્ના સામે અપહરણનો કેસ: બીજી તરફ, એક મહિલાના પુત્રએ ગુરુવારે મૈસૂરના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ફરિયાદ અનુસાર, પૂર્વ મંત્રી એચડી રેવન્ના વિરુદ્ધ મોડી રાત્રે FIR નોંધવામાં આવી હતી. મૈસુરના એડિશનલ પોલીસ કમિશનર નંદિનીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને માહિતી લીધી. તેણે આરોપ લગાવ્યો કે, 'પેન ડ્રાઈવ કેસમાં મારી માતાનો ફોટો પણ છે. વીડિયો સામે આવ્યા બાદ સતીશ બાબુ મારી માતાને રેવન્ના બોલાવે છે તેમ, કહીને લઈ ગયા હતા. મહિલાના પુત્રએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્યારથી તે ગુમ છે. આ ફરિયાદના આધારે રેવન્ના અને તેના સંબંધી સતીશ બાબુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મહિલાના પુત્રએ પોલીસને ફરિયાદ કરી: ફરિયાદમાં તેણે કહ્યું છે કે, 'મારી માતાએ એચડી રેવન્નાના ઘર અને બગીચામાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું હતું. તેણીએ લગભગ 3 વર્ષ પહેલા તે નોકરી છોડી દીધી હતી અને હવે તે અમારા ગામમાં મજૂર તરીકે કામ કરે છે. 29મીએ રાત્રે 9 વાગે સતીષબાબુ અમારા ઘરે આવ્યા હતા અને મારી માતાને રેવન્ના ફોન કરે છે તેમ કહીને લઈ ગયા હતા. મહિલાના પુત્રએ ફરિયાદ કરી કે 'તે પછી અમારી માતા મળી ન હતી.'