નવી દિલ્હી : ખેડૂતોના વિરોધને કારણે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના ક્ષેત્રોમાં અરાજકતા સર્જાઈ છે. 8 અને 12 ફેબ્રુઆરીના રોજ આયોજિત બે બેઠક અનિર્ણિત રહેતા હવે એક અઠવાડિયામાં વાતચીતના ત્રીજા રાઉન્ડ માટે ખેડૂત નેતાઓને કેન્દ્ર સરકારે આમંત્રણ આપ્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદો પર રોકવામાં આવ્યા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો તેમની માંગણી સ્વીકારવા કેન્દ્ર પર દબાણ કરી રહ્યા છે. જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો અને લોન માફીની માંગ છે.
દિલ્હી ચલો આંદોલન : ખેડૂત આગેવાનોએ કહ્યું કે જ્યાં સુધી બેઠક ન થાય ત્યાં સુધી તેઓ દિલ્હી તરફ જવાનો કોઈ નવો પ્રયાસ કરશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્રની દરખાસ્તના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વણસિંહ પંઢેરે 14 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, આવતીકાલે સાંજે 5 વાગ્યે કેન્દ્ર સાથે બેઠક યોજાશે અને ખેડૂતો તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે.
આ સ્થિતિમાં પણ અમે વિચારીએ છીએ કે અમે વાત કરવાનો રસ્તો અપનાવીશું. જો કેન્દ્ર કોઈ ઉકેલ લાવે તો અમે તૈયાર છીએ. અમે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઈચ્છતા નથી. અમે તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ. અમે ફરીથી કહી રહ્યા છીએ કે આવતીકાલે પણ અમે શાંતિથી બેસીશું. -- સર્વણસિંહ પંઢેર (જનરલ સેક્રેટરી, પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ)
ખેડૂતોના વિરોધની લાઈવ અપડેટ્સ :
- 10.25 AM
દિલ્હી પોલીસે 30 હજારથી વધુ ટીયર ગેસના સેલનો ઓર્ડર આપ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ ફોર્સ પંજાબના ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવાની તૈયારી કરી રહી છે. દિલ્હી પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે, તેઓ આંદોલનકારીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશવા નહીં દેવા માટે મક્કમ છે. - 9.45 AM પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વનસિંહ પંઢરે વડાપ્રધાન મોદીને ખેડૂતો સાથે વાતચીત કરી તેમની માંગણીનું સમાધાન શોધવા વિનંતી કરતા કહ્યું, અમે અગાઉ પણ કહ્યું છે. આગળ વધવાનો પ્રશ્ન નથી, અમે એવું નથી કહી રહ્યા કે અમે તમારી બેરિકેડ તોડી નાખીશું. અહીં બે બાબત છે, આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક છે અને અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન પોતે વાત કરે અને આ માંગણીનો આજે ઉકેલ લાવે. આ દરેક માટે સુખદ હશે.
- 8.35 AM
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની 16 ફેબ્રુઆરીના રોજ ભારત બંધની જાહેરાત પર ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું, પીએમ મોદી ખેડૂતોને મદદ કરવા અને તેમની સ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે. ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો અને 'કિસાન સન્માન નિધિ' (PM-KISAN) લોન્ચ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ખેડૂતો ખુશ છે. - 7.49 AM
પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વનસિંહ પંઢેરે કહ્યું, અમે આજે મંત્રીઓ સાથે બેઠક કરી અને અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી અમારી સાથે વાતચીત કરે જેથી અમે અમારી માંગણીના ઉકેલ સુધી પહોંચી શકીએ. અન્યથા અમને દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની છૂટ આપવી જોઈએ. - 7.15 AM અંબાલા નજીક શંભુ સરહદ પર હરિયાણાના સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીયર ગેસના સેલ છોડવા માટે તૈનાત ડ્રોનને નીચે પાડવાની આશામાં કેટલાક યુવા ખેડૂતોએ પતંગ ઉડાવ્યા હતા. જેમાં કેટલાક લોકો ઘાયલ થતા આંદોલનકારીઓ ગુસ્સો થયા હતા.
- 6.45 AM
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે જણાવ્યું કે તેમને નથી લાગતું કે ચીનની સરહદ રાષ્ટ્રીય રાજધાની જેટલી મજબૂત છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ કરવાનો ખેડૂતોનો લોકશાહી અધિકાર છે. અગાઉના ખેડૂતોના આંદોલનમાંથી સરકારે બોધપાઠ લેવો જોઈએ અને હિતધારકોની સલાહ લેવી જોઈએ. છેલ્લા કિસ્સામાં સરકારે આત્મસમર્પણ કર્યું અને પીછેહઠ કરી તે પહેલાં આંદોલન એક વર્ષ ચાલ્યું હતું. - 6.15 AM
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્ર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે ઘટનાક્રમ સમજવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી આંદોલનકારી ખેડૂતોની સાથે છે. - 6.00 AM
CBSE એ દિલ્હીમાં ટ્રાફિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે.