છોટા ઉદેપુર: ઉનાળાની આકરી ગરમીમાં લોકો ટેટી અને તળબૂચ જેવા ઠંડક આપતાં ફળનો ઉપયોગ કરે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના પ્રકાશભાઇ રાઠવાએ ઉનાળામાં પોતાની એક એકર જમીનમાં વૈજ્ઞાનિક રીતે નેટ હાઉસમાં રમૈયા, મધુમતી, આલિયા અને મીનાક્ષી જાતની શક્કર ટેટીની ઉનાળુ ખેતી કરી છે. પ્રકાશભાઈ રાઠવા અગાઉ અલગ અલગ જાતના તરબૂચની ખેતી કરતા હતાં. પરંતુ આ વર્ષે ખેતરમાં નેટ હાઉસ બનાવી શક્કર ટેટીની સફળ ખેતી કરી છે. અને તેમાં જ પરાગરજની પ્રક્રિયા કરી હાથથી ક્રોસિંગ કરી 3 થી 4 ફૂટના અંતરે તેને ગોઠવે છે.
શક્કર ટેટીની વિવિધ જાતી: શક્કર ટેટીની ખેતીમાં મજબૂત ફળને રહેવા દેવામાં આવે છે અને નાના કુપોષિત ફળને દૂર કરવામાં આવે છે. જેથી મોટા ફળને પૂરતું પોષણ મળે અને શક્કર ટેટીના બે કિલોથી ઉપરનું એક ફળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શક્કર ટેટીની રમૈયા જાત વર્ષો જૂની છે, જે મીઠી લાગે છે. જ્યારે આલિયા જાત બહારથી નેટ વાળી દેખાય છે. મધુમતીની જાત અંદરથી ગ્રીન નીકળે છે અને તે જેવી સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે. જયારે શક્કર ટેટીની મીનાક્ષી જાત સ્વાદે ખટ મીઠી લાગે છે.
કાકડીનો પાક પણ તૈયાર કરાયો: હાલ શક્કર ટેટીનો પાક તૈયાર થતાં વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત, અને આણંદ મોકલવામાં આવે છે. જેનો પ્રતિ કિલોનો ભાવ રુપિયા 100 થી 120 જેટલો રાખવામાં આવ્યો છે. અને આ સીઝન દરમિયાન 10 ટન જેટલી શક્કર ટેટીનું ઉત્પાદન થાય તેવી તેમની ધારણા છે. ઉપરાંત, જે શક્કર ટેટીનો વેલા પરનો પાક પૂર્ણ થઈ જાય ત્યાર બાદ તે શક્કર ટેટીના વેલાને ઉખાડી નાખવામાં આવે છે અને તેની જગ્યાએ ત્યાં કાકડીના વેલા ઉગાડી કાકડીનો પાક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આદિવાસી વસતિ ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં નાયબ બાગાયત દ્વારા બાગાયતી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. જેના પરિપાકરૂપે જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ વૈવિધ્યપૂર્ણ પાકોની ખેતી કરી સારૂં વળતર મેળવવામાં સફળ થયા છે.
પ્રકાશભાઈ રાઠવા બન્યા આકર્ષણનું કેન્દ્ર: છોટા ઉદેપુર જિલ્લાના બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી આધુનિક ઢબે તરબૂચની ખેતી કર્યા બાદ પ્રકાશભાઇ રાઠવાએ આ ચોમાસા દરમિયાન એક એકરમાં લીલી કાકડી અને સફેદ કાકડીનું આધુનિક પ્રધ્ધતીથી વાવેતર કર્યું હતું. તેની સાથે પ્રકાશભાઈ રાઠવા ખેડૂતોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રકાશભાઇ રાઠવાના ખેતરની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
4 લાખ રૂપિયા સુધીનો નફો મળવાનો અંદાજ: આ અંગે વાત કરતા પ્રકાશભાઇ રાઠવા જણાવે છે કે, શક્કર ટેટીના 20 કિલોનાં 2000 થી 2400 રૂપિયા ભાવ મળે છે, જેમાં 30 ટકા ખર્ચ થતાં ત્રણ મહિનામાં 4 લાખ રૂપિયા સુધીનો નફો મળવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો હતો. અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતીની સહાય મેળવી ખેતીમાંથી બમણી આવક મેળવી પ્રગતિશીલ ખેડૂત બની આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે છે.