નવી દિલ્હી: આવતીકાલે 4 જૂને લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી થવા જઈ રહી છે, મતગણતરીના એક દિવસ પહેલા, કેન્દ્રીય ચૂંટણી પંચે આજે એટલે કે, સોમવારે બપોરે 12.30 વાગ્યે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ચૂંટણી પંચ દ્વારા મીડિયાને આપવામાં આવેલા આમંત્રણમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ 2024ની સામાન્ય ચૂંટણીઓ પર પ્રેસ કોન્ફરન્સ કરશે.
દેશના ચૂંટણી ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે ચૂંટણી પંચે ચૂંટણીના અંતે પત્રકાર પરિષદ બોલાવી હોય. અગાઉ રવિવારે, ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ પાસેથી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા તેમના એક નિવેદન માટે હકીકતલક્ષી માહિતી અને વિગતો માંગી હતી કે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મતોની નિર્ધારિત ગણતરી (4 જૂન) પહેલાં 150 જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કર્યો હતો.
ચૂંટણી પંચે આગળની જરૂરી કાર્યવાહી માટે જયરામ રમેશ પાસેથી 2 જૂન, 2024ની સાંજ સુધીમાં જવાબ માંગ્યો. 19 એપ્રિલથી શરૂ થયેલી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કાની મેરેથોન મતદાન પ્રક્રિયા શનિવારે સમાપ્ત થઈ ગઈ. એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે શાસક ભાજપની આગેવાની હેઠળની NDA તેના 2019 ના રેકોર્ડને પાછળ છોડી દેશે, જેમકે તેમણે 352 બેઠકો જીતી હતી.
બે પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરશે. જો 4 જૂને મતોની ગણતરી કરવામાં આવશે ત્યારે ભાજપ સત્તામાં પરત ફરવા વિશે એક્ઝિટ પોલની આગાહીઓ સાચી સાબિત થશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીતનારા એકમાત્ર વડાપ્રધાન બનશે.