ઉત્તરાખંડ : ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ મંત્રી અને તેમના કાર્યકાળ દરમિયાન વન વિભાગમાં મહત્વપૂર્ણ પદ પર તૈનાત થયેલા વન અધિકારીઓ માટે બુધવારની સવાર ખરાબ સમાચાર લઈને આવી હતી. ED દ્વારા હરકસિંહ રાવત અને કેટલાક IFS અધિકારીઓના ઘરો પર રેડ પાડવામાં આવી હતી.
ઉત્તરાખંડના ચર્ચીત IFS અધિકારી સુશાંત પટનાયકના ઘરે પણ ED ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ દરમિયાન મોટી રોકડ રકમ મળી આવી હતી. IFS અધિકારી સુશાંત પટનાયકના ઘરેથી મળેલી કરોડોની રોકડની ગણતરી કરવા માટે નોટ કાઉન્ટિંગ મશીન મંગાવ્યું છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. પરંતુ સુશાંત પટનાયકના ઘર સહિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
IFS અધિકારી સુશાંત પટનાયકના ઘરે રેડ દરમિયાન ED અધિકારીઓએ દસ્તાવેજોની તપાસ કરી છે. ઉપરાંત સુશાંત પટનાયકની પૂછપરછ પણ કરવામાં આવી છે. ED ટીમ છેલ્લા 8 કલાકથી સુશાંત પટનાયકના ઘરે તપાસ કરી રહી છે. મળતી વિગત અનુસાર સુશાંત પટનાયકના ઘરેથી મોટી માત્રામાં રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં એક મહિલાની છેડતીના આરોપ બાદ ચર્ચામાં આવેલા IFS ઓફિસર સુશાંત પટનાયક હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડારમાં આવી ગયા છે.
એક તરફ ED ટીમ કેટલાય કલાકોથી તપાસ કરી રહી છે, તો બીજી તરફ સુશાંત પટનાયકના ઘરેથી કરોડો રૂપિયા રિકવર કર્યા છે. સુશાંત પટનાયકના ઘરે રોકડ મળી આવ્યા બાદ કેશ કાઉન્ટિંગ મશીન પણ લાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટી માત્રામાં રોકડ મળી આવ્યા બાદ હવે આ મશીન મંગાવવામાં આવ્યું છે.
ETV BHARAT ની ટીમ સુશાંત પટનાયકના ઘરે પહોંચી હતી. અહીં દરોડા પાડવા આવેલી ટીમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ED ટીમે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કેશ કાઉન્ટિંગ મશીન મંગાવ્યા બાદ એ નક્કી છે કે સુશાંત પટનાયકના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે.
અપ્રમાણસર સંપત્તિના કેસમાં ED ની આ કાર્યવાહી ચાલી રહી છે. આમાં કોર્બેટ ટાઈગર રિઝર્વ સંબંધિત એક મામલો પણ છે. કાલાગઢ રેન્જમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. તપાસમાં મોરઘટ્ટી અને પાખરોમાં ગેરકાયદે બાંધકામના કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લીલાછમ વૃક્ષો કાપવાનો આરોપ છે. તે સમયે હરકસિંહ રાવત ઉત્તરાખંડના વન પ્રધાન હતા. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સરકાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ હરકસિંહ રાવતને કોંગ્રેસમાં જોડાયા હતા.