દિલ્હી/પાનીપત: દિલ્હી પોલીસના આઉટર નોર્થ વિસ્તારના એસીપી યશપાલ ચૌહાણના વકીલ પુત્ર લક્ષ્ય ચૌહાણનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. 23 જાન્યુઆરીએ દિલ્હી પોલીસના એસપીના પુત્રને પાણીપતના જાટલ ગામ પાસે નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલો ખુલ્યા બાદ મૃતદેહની શોધખોળ ચાલી રહી હતી અને અંતે પ્રયાસો ફળ્યા અને લક્ષ્યની લાશ મળી આવી હતી.
લક્ષ્યનો મૃતદેહ મળ્યો: માહિતી અનુસાર, NDRF અને પોલીસની ટીમે 26 વર્ષીય લક્ષ્ય ચૌહાણની લાશને શોધવા માટે કેનાલમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અંતે લક્ષ્યનો મૃતદેહ ગણૌર પોલીસને સામલખામાંથી મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ખુબડુ ઝાલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, દિલ્હીના સમયપુર બાદલી મથકમાં લક્ષ્યની હત્યાનો કેસ નોંધાયો હતો અને જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસ ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવશે: આપને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસના આઉટર નોર્થ એરિયાના એસીપી યશપાલ ચૌહાણના વકીલ પુત્રની હત્યા કરવામાં આવી હતી. તેના મિત્રો પર જ હત્યાનો આરોપ છે. આ સમગ્ર મામલો પૈસાની લેતી-દેતી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 26 વર્ષીય લક્ષ્ય ચૌહાણ તેના મિત્રો સાથે લગ્ન સમારોહમાં ગયો હતો અને ત્યારથી તે ઘરે પાછો આવ્યો ન હતો. પોલીસ તપાસ બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસ હવે ઘટનાસ્થળે જશે અને ક્રાઈમ સીન ફરીથી રિક્રિએટ કરશે. વિશેષ સ્ટાફની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે ફરાર આરોપી વિકાસની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત, પહેલાથી જ ધરપકડ કરાયેલા બીજા આરોપી અભિષેકને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 3 દિવસની પોલીસ કસ્ટડી મળી હતી.