નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી માટે આજનો દિવસ મહત્વનો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની આજે બેઠકો યોજાઇ રહી છે. જેમાં લોકસભા ચૂંટણી ઢંઢેરો અને ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.
-
#WATCH | The Congress Working Committee (CWC) meeting begins at the AICC headquarters in Delhi in the presence of party president Mallikarjun Kharge, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Rahul Gandhi and other Congress leaders. pic.twitter.com/I3JjHdONS2
— ANI (@ANI) March 19, 2024
બાકીના ઉમેદવારોના નામ નક્કી થશે : નવી દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મંગળવારે બેઠક આયોજિત થઇ છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વર્કિંગ કમિટીની બેઠક બાદ પાર્ટી ચીફ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક પણ થશે. જેમાં સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. 19 એપ્રિલથી શરૂ થઈ રહેલ લોકસભા ચૂંટણી 2024ના સાત ચરણના આયોજનને આખરી ઓપ આપવામાં આવશે.
કોંગ્રેસની પાંચ ગેરંટી હશે : કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે રવિવારે કહ્યું હતું કે પક્ષની ટોચની નીતિ નિર્માતા સંસ્થા વર્કિંગ કમિટીની બેઠકમાં ડ્રાફ્ટ મેનિફેસ્ટોને તેની મંજૂરી આપશે. જેમાં ન્યાય માટે પાંચ ગેરંટી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે પાર્ટી પાંચ ન્યાય – ‘ભાગીદારી ન્યાય’, ‘કિસાન ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ના મુદ્દાઓ પર ચૂંટણી લડશે. તેમાં 25 ગેરંટી હશે જેની જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં બે અલગ અલગ યાદીમાં કુલ 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.
મેનિફેસ્ટો માટે સૂચનો લેવાયાં : જાહેર પરામર્શ ઉપરાંત, મેનિફેસ્ટો તૈયાર કરવા માટે પક્ષના નેતાઓ દ્વારા ઈ-મેલ અને વેબસાઈટ દ્વારા સૂચનો લેવામાં આવ્યા છે. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ એસસી, એસટી અને ઓબીસી માટે અનામતની 50 ટકા મર્યાદા વધારવા અને વ્યાપક સામાજિક, આર્થિક અને જાતિની વસ્તી ગણતરી માટે બંધારણીય સુધારો પસાર કરવાનું વચન આપ્યું હતું.