નવી દિલ્હી : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ કૌભાંડ) કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કેજરીવાલ વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. સાથે જ અરવિંદ કેજરીવાલને 12 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
18 લોકોની ધરપકડ : દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં 17 મેના રોજ EDએ સાતમી પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ, BRS નેતા કે. કવિતાનો સમાવેશ થાય છે. જોકે આ કેસમાં સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે.
કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી : દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં અરવિંદ કેજરીવાલની મોડી સાંજે પૂછપરછ બાદ 21 માર્ચે જ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. કેજરીવાલની CBI દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી : EDએ AAP સાંસદ સંજયસિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ આ કેસમાં 9 માર્ચ 2023 ના રોજ પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023 ના રોજ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
છઠ્ઠી પુરક ચાર્જશીટ : EDએ 10 મેના રોજ છઠ્ઠી પુરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં BRS નેતા કે. કવિતા, ચેનપ્રીત સિંહ, દામોદર શર્મા, પ્રિન્સ કુમાર, અરવિંદ સિંહને આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે 29 મેના રોજ આ ચાર્જશીટની નોંધ લીધી હતી. કેજરીવાલ ઉપરાંત આરોપી વિનોદ ચૌહાણ અને આશિષ માથુર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર કોર્ટે સંજ્ઞાન લીધુ છે.