નવી દિલ્હી : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે પૂર્વી રાજ્યોના લોકોની તુલના ચીન સાથે અને દક્ષિણ ભારતીયોની આફ્રિકા સાથે કરી હતી. કોંગ્રેસ નેતાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતના ઉત્તર-પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકાના લોકો જેવા દેખાય છે.
સામ પિત્રોડાનું નિવેદન : સામ પિત્રોડાએ કહ્યું કે, આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને એકીકૃત રાખી શકીએ છીએ. જ્યાં ઉત્તર પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો વ્હાઈટ જેવા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભાઈ-બહેન છીએ.
ભારતમાં દરેક માટે જગ્યા છે : સામ પિત્રોડાએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વમાં લોકશાહીનું ઝળહળતું ઉદાહરણ છે. આપણે બધા અલગ-અલગ ભાષા, અલગ-અલગ ધર્મ, રીત-રિવાજો અને ખોરાકનું સન્માન કરીએ છીએ. આ એ ભારત છે જેમાં હું માનું છું, જ્યાં દરેક માટે જગ્યા છે અને દરેક જણ થોડું ઘણું સમાધાન કરે છે.
દેશના લોકો 75 વર્ષથી ખૂબ જ સુખી વાતાવરણમાં જીવી રહ્યા છે. જો નાના મોટા ઝઘડાને બાજુ પર રાખવામાં આવે તો લોકો અહીં સાથે રહી શકે છે. -- સામ પિત્રોડા
સામ પિત્રોડાના ચાબખા : આ દરમિયાન પિત્રોડાએ વિરોધ કરતા કહ્યું કે, ભારતના આઈડિયા - જેમાં લોકશાહી, સ્વતંત્રતા, બંધુત્વ અને સ્વતંત્રતાનો સમાવેશ થાય છે, તેને હવે 'રામ નવમી', 'રામ મંદિર' અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પડકારવામાં આવી રહ્યો છે. અગાઉ IOC અધ્યક્ષ સામ પિત્રોડાએ અગાઉ વારસાગત ટેક્સ પર ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ સર્જાયો હતો. આ કારણે કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી લીધી હતી.
ભાજપનો વળતો પ્રહાર : ભાજપે સામ પિત્રોડાના વર્તમાન નિવેદનને લઈને વળતો પ્રહાર કર્યા અને તેમને 'નસ્લવાદી' ગણાવ્યા હતા. એટલું જ નહીં હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ ઉમેદવાર કંગના રનૌતે પણ કોંગ્રેસ પર 'ભાગલા પાડો અને રાજ કરો'ની વિચારધારાને અનુસરવાનો આરોપ લગાવી એક ક્લિપ શેર કરી છે.