ઉત્તરાખંડ : ઉત્તરાખંડ રાજ્યના હલ્દવાની શહેરમાં વાતાવરણ તંગ છે. તોફાનીઓએ હલ્દવાનીમાં પોલીસ પર પથ્થરમારો કર્યો છે જેમાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઇજા પામ્યાં છે. તોફાનીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી છે. પરિસ્થિતિને સંભાળવા સીએમ પુષ્કરસિંહ ધામીએ દેહરાદૂન સીએમ આવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટે શહેરમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ છૂટ્યાં છે.
સીએમ પુષ્કરસિંહ ધામીની આપાત બેઠક : નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડી પાડ્યા બાદ શહેરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. તોફાનીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સીએમ પુષ્કરસિંહ ધામીની આપાત બેઠક બોલાવી છે.
પોલીસ અધિકારીઓને સૂચનાઓ : આ બેઠકમાં સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. ડીજીપી અભિનવ કુમાર પણ બેઠકમાં હાજરી આપવા માટે સીએમ આવાસ પર પહોંચ્યા છે. તો કુમાઉ વિભાગના તમામ અધિકારીઓ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે. મુખ્યમંત્રી દ્વારા બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામ દૂર કર્યાં : આપનેે જણાવી દઈએ કે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં છેલ્લા ઘણા દિવસોથી દબાણ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુરુવારે હલ્દવાનીના 'મલિક કે બાગ' વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદ અને મદરેસાને તોડી પાડવામાં આવી હતી ત્યારે તેેનો લોકોએ ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. તોફાનીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી છે. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે.
નોટિસ બાદ થઇ કાર્યવાહી : શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓએ પહેલા મસ્જિદ અને મદરેસાના સંચાલકને નોટિસ મોકલી હતી, પરંતુ નોટિસ પછી પણ તેઓએ મસ્જિદ અને મદરેસાના કોઈ દસ્તાવેજો બતાવ્યા ન હતા, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.