નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને પાછો ખેંચી લેવા પર વિચાર કરશે. શાહે જેકે મીડિયા ગ્રૂપ સાથેની એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે સરકારની યોજના કેન્દ્રશાસિત પ્રદેશમાં સૈનિકોને પાછા બોલાવી લેવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપવાની છે. પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે.
જાણે અમિત શાહે શું કહ્યુ: વિવાદાસ્પદ AFSPA પર ગૃહમંત્રીએ કહ્યું, 'અમે AFSPA હટાવવા વિશે પણ વિચારીશું.' AFSPA અવ્યવસ્થિત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને 'જાહેર વ્યવસ્થા જાળવવા' માટે જો જરૂરી હોય તો શોધવા, ધરપકડ કરવા અને ગોળીબાર કરવા માટે વ્યાપક સત્તાઓ આપે છે. શાહે અગાઉ કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના 70 ટકા વિસ્તારોમાંથી AFSPA હટાવી દેવામાં આવ્યું છે, જોકે તે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ AFSPA હટાવવાની માંગ કરી છે.
j&kમાં લોકશાહિની સ્થાપના એ મોદીનુ વચન: શાહે કહ્યું કે સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વચન છે અને તે પૂરું થશે. જો કે, આ લોકતંત્ર માત્ર ત્રણ પરિવારો પુરતુ સીમિત નહીં રહે અને તે લોકોનુ લોકતંત્ર હશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
j&kના ઓબીસીને મોદી સરકારે આપી અનામત: અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર શાહે કહ્યું કે, પહેલીવાર જમ્મુ-કાશ્મીરના ઓબીસીને મોદી સરકારે અનામત આપી છે અને મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. તેમણે કહ્યું, 'પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત આપવામાં આવી હતી. અમે SC અને ST માટે જગ્યા બનાવી છે. ગુર્જરો અને બકરવાલોનો હિસ્સો ઘટાડ્યા વગર પહાડીઓને 10 ટકા અનામત આપવામાં આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકોના રહેઠાણ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
NCએ છેલ્લા 75 વર્ષમાં લોકોને આરક્ષણ કેમ ન આપ્યું: તેમણે કહ્યું કે આ લાભો પાયાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર પ્રતિબદ્ધ છે. શાહે દાવો કર્યો હતો કે નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ફારૂક અબ્દુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ આ અનામતની જોગવાઈઓ પર કડવાશ પેદા કરવાનો પુરતો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકો હવે તેમના ઈરાદાઓને સમજી ગયા છે. તેમણે પૂછ્યું કે NCએ છેલ્લા 75 વર્ષમાં આ લોકોને આરક્ષણ કેમ ન આપ્યું.
PoK ભારતનો અભિન્ન અંગ: ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે જ્યારે આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે અબ્દુલ્લા ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે કહ્યું કે, અબ્દુલ્લા અને મહેબૂબા બંનેને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી. શાહે કહ્યું કે હુર્રિયત કોન્ફરન્સને વાતચીત પ્રક્રિયામાં કોઈ સ્થાન નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો અભિન્ન અંગ છે.
યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવા આહ્વાન: શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, 'આજે પાકિસ્તાન ભૂખમરો અને ગરીબીથી પીડાઈ રહ્યું છે અને ત્યાંના લોકો પણ કાશ્મીરને સ્વર્ગ તરીકે જુએ છે. હું બધાને કહેવા માંગુ છું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે.
જાણો શું છે AFSPA અને ક્યારે બન્યો આ કાયદો: તમને જણાવી દઈએ કે, AFSPA એક એવો કાયદો છે જે 'અવ્યવસ્થિત વિસ્તારોમાં' લાગુ કરવામાં આવે છે. AFSPA કાયદો અશાંત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને વ્યાપક સત્તા આપે છે. ઉદાહરણ તરીકે, જો જરૂરી હોય તો શોધ, ધરપકડ અને ગોળીબાર જેવી સત્તાઓનો સમાવેશ થાય છે. આ કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ બનાવવામાં આવ્યો હતો. આ સૌપ્રથમ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આ કાયદો 1990ના દાયકામાં લાગુ કરવામાં આવ્યો હતો. AFSPA કાયદા હેઠળ સુરક્ષા દળો વધુ મજબૂત બની જાય છે. વગર વોરંટે પણ કોઈપણની ધરપકડ થઈ શકે છે. જો કે આ પહેલા ચેતવણી આપવી જરૂરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારની પરવાનગી વગર સુરક્ષા દળો સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી.