કોલકાતા: કેન્દ્રીય પ્રધાન શાંતનુ ઠાકુરે એક રેલીને સંબોધિત કરતા મંચ પરથી કહ્યું કે, હું બાંહેધરી આપું છું કે નાગરિક સંશોધન કાયદો (CAA) સાત દિવસમાં આખા દેશમાં અમલી થઈ જશે. શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળના 24 પરગણાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ કાયદાનું અમલીકરણ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થશે.
પોતાના સંબોધનમાં શાંતનુ ઠાકુરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં શાહે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદો 'દેશનો કાયદો' છે, જેને કોઈપણ સંજોગોમાં અમલી બનાવવામાં આવશે. કોઈ તાકાત આ કાયદાના અમલીકરણને રોકી નહીં શકે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. મમતાએ ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા. મમતાએ કહ્યું કે, CAA મામલે ભાજપ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. જો કે કેન્દ્રીય પ્રધાન શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળના 24 પરગણાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતી વખતે માત્ર 7 દિવસમાં CAA કાયદો બંગાળ જ નહિ પરંતુ સમગ્ર દેશમાં અમલી થઈ જશે તેવું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે બંગાળનું રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) મોદી સરકારે અમલીકરણ કરવા જઈ રહી છે. આ કાયદાના અમલીકરણ સાથે 31 ડિસેમ્બર 2014 પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન મુસ્લિમોને દેશની નાગરિકતા આપવામાં આવશે. સૂત્રો અનુસાર આ કાયદો વર્ષ 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જ્યારથી આ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી જ ભાજપ સિવાયના પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે.