બિહાર : મુખ્યપ્રધાન નીતિશકુમાર દિલ્હી પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. જેડીયુના પૂર્વ અધ્યક્ષ લલન સિંહ અને પૂર્વ મંત્રી સંજય ઝા પણ તેમની સાથે હતા. સીએમ નીતિશકુમારે એલકે અડવાણીને 'ભારત રત્ન' મળવા બદલ રુબરુ અભિનંદન પાઠવ્યા હતા. આ પછી તેઓ દિલ્હીમાં JDU ઓફિસ પણ જશે, જ્યાં તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. દિલ્હીની બે દિવસની મુલાકાત બાદ આજે સાંજ સુધીમાં પટના પરત ફરી શકે છે.
નીતિશ કુમારનો દિલ્હી પ્રવાસ : બિહારમાં 12 ફેબ્રુઆરીએ યોજાનાર ફ્લોર ટેસ્ટ બાદ કેબિનેટનું વિસ્તરણ પણ થવાનું છે. આ પહેલા સીએમ નીતિશકુમાર સતત દિલ્હીમાં બીજેપી નેતાઓને મળી રહ્યા છે.લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગ અને અન્ય મુદ્દાઓને લઈને બુધવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા.
NDA માં નીતિશકુમારની વાપસી : નીતિશકુમાર 9 ઓગસ્ટ, 2022 ના રોજ NDA થી અલગ થઈ અને વિપક્ષી પાર્ટીઓને એક કરવાના સૂત્રધાર બન્યા હતા. પરંતુ અચાનક તેઓ મહાગઠબંધન છોડીને 28 જાન્યુઆરીએ NDA માં જોડાઈ ગયા હતા. NDA માં જોડાતા પહેલા સીએમ નીતિશકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સતત અંતર જાળવી રહ્યા હતા. તેઓ નીતિ આયોગની બેઠક કે મુખ્યપ્રધાનની બેઠકમાં પણ ભાગ લેતા ન હતા. પરંતુ ગયા વર્ષની કી-20 કોન્ફરન્સ દરમિયાન તેમણે 7 સપ્ટેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપી અને વડાપ્રધાન મોદીને મળ્યા હતા.
PM મોદીને મળ્યા સીએમ નીતિશ : હવે 5 મહિના પછી સીએમ નીતિશકુમાર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. આ બેઠક એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે નીતિશકુમાર 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં તેમનો વિશ્વાસ મત મેળવશે. તેમની પાસે 128 ધારાસભ્યોનું સમર્થન છે.
બેઠક વહેંચણી પર ચર્ચા ! મુખ્યપ્રધાન નીતિશકુમાર દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને પણ મળ્યા હતા. તેઓ ડિસેમ્બરમાં પટનામાં ઈસ્ટર્ન રિજનલ કાઉન્સિલની બેઠક દરમિયાન અમિત શાહને મળ્યા હતા. તે સમયે નીતિશકુમાર મહાગઠબંધનમાં હતા અને હવે તેઓ એનડીએમાં છે. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હોવાના સમાચાર છે. આ દરમિયાન તેમના નજીકના પૂર્વ મંત્રી સંજય ઝા પણ સાથે હાજર હતા.
બિહારમાં પીએમ મોદીનો કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ લોકસભા ચૂંટણીને લઈને ટૂંક સમયમાં બિહારમાં એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. PM મોદી બિહારને મોટી ભેટ પણ આપશે. નીતિશ સરકારને બહુમતી મળ્યા બાદ ફેબ્રુઆરીમાં જ વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે અને લોકસભા ચૂંટણી પ્રચાર પણ શરૂ થશે. તેથી આ વખતે મુખ્યપ્રધાન નીતિશ કુમારની દિલ્હી મુલાકાત અને પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.