નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામતમાં ક્રીમી લેયર (SC/ST reservation sub quota) લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC/ST અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિષેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે.
કઈ કઈ પાર્ટી આ વિરોધમાં જોડાઈ: SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વિરોધમાં અનામત બચાઓ સંઘર્ષ સમિતિ ઉપરાંત અન્ય ઘણા સંગઠનોએ પણ આ બંધનું સમર્થન કર્યું છે. તેમજ બહુજન સમાજ પાર્ટી (બસપા)એ પણ આ બંધને પોતાનું સમર્થન આપ્યું છે. રાજસ્થાનના એસસી/એસટી સમૂહોએ પણ આ બંધને પોતાનું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે જાહેરાત કરી કે તેઓ અનુસૂચિત જાતિ (SC) આરક્ષણ પરના તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં બુધવારે વિવિધ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને સમર્થન આપશે. સાથે જ ડાબેરી પક્ષોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને 14 કલાકની દેશવ્યાપી હડતાળમાં સક્રિયપણે ભાગ લેવા અને તેમનો ટેકો આપવા જણાવ્યું છે.
જાણો શું રહેશે ખુલ્લું: આજે ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને તબીબી સુવિધાઓ જેવી ઇમરજન્સી સેવાઓ સરળતાથી કાર્ય રહેશે. જાહેર સલામતી માટે કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ, ફાર્માસીઓ, સરકારી કચેરીઓ, બેંકો અને શાળા-કોલેજો પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમજ જાહેર પરિવહન પણ રાબેતા મુજબ ચાલશે.
આ ઉપરાંત ભારત બંધના એલાન પર રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, જયપુર, દૌસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીગ સહિત ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રહેશે.