મુરાદાબાદ: તીર્થંકર મહાવીર યુનિવર્સિટીમાં BBA ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઉનાળુ વેકેશન હોવાથી પિતા મુરાદાબાદ આવવાના હતા. વિદ્યાર્થિએ સવારે તેના પિતાને ફોન કરીને તેને લઈ જવા કહ્યું હતું. મૃતક વિદ્યાર્થી મૂળ આગ્રાનો છે. પોલીસે વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એસપી સિટીનું કહેવું છે કે, સ્ટુડન્ટે પ્રેમ પ્રકરણના કારણે આ પગલું ભર્યું છે.
હોસ્ટેલના રૂમમાં કરી આત્મહત્યા: તીર્થંકર મહાવીર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. રવિવારે બપોરે બીબીએ ત્રીજા વર્ષના વિદ્યાર્થી અક્ષતે હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. હોસ્ટેલનો સફાઈ કર્મચારી અક્ષતના રૂમની બહારથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ વાત સામે આવી. અક્ષતના રૂમનો દરવાજો ખુલ્લો હતો, જ્યારે હોસ્ટેલ વોર્ડનને આ અંગેની જાણ થઈ તો તેણે યુનિવર્સિટી પ્રશાસનને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. અક્ષતના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પિતા આવે તે પહેલા જ: પરીક્ષા બાદ ઉનાળુ વેકેશન હતું એવામાં હોસ્ટેલમાં અક્ષતના માળે રહેતા અન્ય તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. અક્ષતે તેના પિતાને પણ આગ્રા બોલાવ્યા હતા અને તેને લઈ જવા કહ્યું હતું. પુત્રની વાત સાંભળીને પિતા આગ્રાથી મુરાદાબાદ જવા રવાના થઈ ગયા હતા. તેના પિતા આવે તે પહેલા જ અક્ષતે હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લીધો હતો.
પ્રેમ પ્રકરણનો મામલો: એસપી સિટી અખિલેશ ભદૌરિયાએ જણાવ્યું કે, પાકબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે. બાકીની માહિતી માટે ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે. આ ઘટનાની અક્ષતના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.