મહારાષ્ટ્ર : બદલાપુર રેપ કેસમાં મહારાષ્ટ્રની થાણે ક્રાઈમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર કર્જતની એક શાળામાં સફાઈ કર્મચારીએ બે સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. આ શાળાના પ્રમુખ ઉદય કોટવાલ અને સેક્રેટરી તુષાર આપ્ટેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટે કોતવાલ અને આપ્ટેની આગોતરા જામીન અરજી ફગાવી દીધાના એક દિવસ બાદ આ ધરપકડ થઈ છે.
મુખ્ય આરોપી અક્ષય શિંદે : બદલાપુર રેપ કેસનો મુખ્ય આરોપી અક્ષય શિંદે સપ્ટેમ્બરની શરૂઆતમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. થાણે પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષય શિંદેને તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા નવા કેસના સંબંધમાં તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેણે કથિત રીતે એક પોલીસ અધિકારી પાસેથી હથિયાર છીનવી અને ગોળીબાર કર્યો હતો. શિંદે મુંબ્રા બાયપાસ પાસે ઘાયલ થયો અને બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આરોપી અક્ષય શિંદેના મોત બાદ વિવાદ વધ્યો હતો. વિપક્ષ મહા વિકાસ આઘાડીએ (MVA) પણ એન્કાઉન્ટર પર એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
એન્કાઉન્ટર બાદ સરકાર સામે વિરોધ : આ બાબતે NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, બદલાપુરમાં બે સગીર છોકરીઓ સાથે સંકળાયેલા યૌન ઉત્પીડનના કેસમાં મહાયુતિ સરકારનું વલણ ખૂબ જ ખરાબ છે. પહેલા FIR દાખલ કરવામાં વિલંબ થયો અને હવે મુખ્ય આરોપીની કસ્ટડીમાં હત્યા કરવામાં આવી છે. આ કાયદાના અમલીકરણ અને ન્યાય પ્રણાલીની સંપૂર્ણ નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે. આ અક્ષમ્ય છે અને મહારાષ્ટ્રના લોકોને તેઓ જે ન્યાયના હકદાર છે તેનાથી વંચિત રાખે છે.
મૃતક આરોપીનો પરિવાર : સપ્ટેમ્બરમાં બદલાપુર રેપ કેસના આરોપી અને પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અક્ષય શિંદેના પરિવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરિવારે અક્ષય શિંદે માટે દફન સ્થળ શોધવાની પરવાનગી માંગી કારણ કે તેઓને તેની કબર માટે જમીન શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારે પહેલા બદલાપુર અને પછી અંબરનાથમાં દફન સ્થળ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. આ પડકારોને કારણે તેણે પોતાના વકીલ અમિત કતરનવરે મારફત બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.