નવી દિલ્હી : પ્રખ્યાત સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપની એટલાસના ભૂતપૂર્વ ચેરમેન સલિલ કપૂરે મંગળવારના રોજ દિલ્હીમાં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. સલિલ કપૂર તેમના ત્રણ માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સલિલ કપૂરે કરી આત્મહત્યા : એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોને ઘરની અંદર પૂજા રૂમ પાસે સલિલ કપૂરનો મૃતદેહ લોહીથી લથપથ જોવા મળ્યો હતો. તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ પછી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો સાથે પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
સુસાઇડ નોટ મળી : પોલીસ અધિકારીઓએ સમાચાર એજન્સી PTI ને જણાવ્યું કે, સલિલ કપૂરનો મૃતદેહ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રોડ પર તેમના ઘરના પૂજા રૂમ પાસે લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સલિલ કપૂરે લાઈસન્સ વાળી રિવોલ્વર વડે પોતાના માથામાં ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળેથી મળી આવેલ એક ચીઠ્ઠીમાં તેમણે ખુદ પર "નાણાકીય બોજ" હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પોલીસ કાર્યવાહી : પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કરવા ફોરેન્સિક અને ક્રાઈમ ટીમોને બોલાવવામાં આવી છે. મેનેજરે જણાવ્યું કે, સલિલ કપૂરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારથી અલગ રહેતા : પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમની પત્ની અને ત્રણ બાળકો અલગ રહેતા હતા. સલિલ કપૂરના મેનેજર અને તેમનો પરિવાર તેમની સાથે ત્રણ માળની બિલ્ડિંગમાં રહેતો હતો. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 2015માં સલિલ કપૂરની રૂ. 9 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે છેતરપિંડીના બે અલગ-અલગ કેસ નોંધાયા હતા. જાન્યુઆરી 2020માં તેની ભાભી નતાશા કપૂરે પણ આ જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.