બિહાર : સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનાર તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલીનની મુશ્કેલીઓ હવે વધવા જઇ રહી છે. બિહારની આરા કોર્ટે તામિલનાડુના રમતગમત વિકાસ પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન સામે સમન્સ જાહેર કર્યું છે.
'સનાતન' પર ટિપ્પણીનો મામલો : આરાના એડવોકેટ ધરણીધર પાંડેયને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાવતા તેમણે કહ્યું કે, ઉદયનિધિના નિવેદનથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમના નિવેદનથી એક ચોક્કસ સમુદાયને દુઃખ થયું છે.
આરા કોર્ટનો આદેશ : ફરિયાદની તપાસ કર્યા બાદ આરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનોરંજન કુમાર ઝાની કોર્ટે સ્વીકાર્યું છે કે સ્ટાલિનના નિવેદનથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ફરિયાદી અને અન્ય સાક્ષીઓની જુબાની પછી કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 298 હેઠળ સંજ્ઞાન લઈને ઉદયનિધિ સ્ટાલિન સામે સમન્સ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ત્રણ સાક્ષીઓએ જુબાની આપી છે. કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે થશે.
ઉદયનિધિની વિવાદિત ટિપ્પણી ? તમને જણાવી દઈએ કે તમિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. ઉદયનિધિએ કહ્યું હતું કે કેટલીક બાબતોનો વિરોધ ન કરી શકાય, પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે. જેમ આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાનો માત્ર વિરોધ કરી શકતા નથી, તેમ તેમને નાબૂદ કરવા પણ જરૂરી છે. એ જ રીતે સનાતન ધર્મનો વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેનો નાશ કરી દેવો જોઈએ.