રાજસ્થાન : લોકસભા ચૂંટણી 2024 રાજસ્થાનની તમામ 25 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક પછી એક નેતાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. શનિવારના રોજ સૌપ્રથમ શિવ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને સોશિયલ મીડિયા પર ધમકી મળવાનો મામલો સામે આવ્યો હતો. હવે શનિવારે રાત્રે જ બાડમેર કોંગ્રેસના નેતા અને બાયતુના ધારાસભ્ય હરીશ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.
હરીશ ચૌધરીને મળી ધમકી : સોશિયલ મીડિયા પર 'વીપી બના' નામના એકાઉન્ટ પરથી હરીશ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીમાં કહેવાયું છે કે "હરીશ ચૌધરી થોડા દિવસોના જ મહેમાન છે. અમે હરીશ ચૌધરીને મોતને ઘાટ ઉતારી દઈશું." આ ધમકીનો સ્ક્રીન શોર્ટ સામે આવ્યા બાદ હરીશ ચૌધરીના સમર્થકો સુરક્ષાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા હરીશ ચૌધરી હાલ દિલ્હીમાં છે.
પોલીસ કાર્યવાહી : ઉપરોક્ત બાબતે હરીશ ચૌધરી વતી બાલોતરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બાલોતરાના SP કુંદન કુંવરિયાએ જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગેની તપાસ SHO ને સોંપવામાં આવી છે. ધમકી આપનાર આરોપીઓને ટૂંક સમયમાં શોધી કાઢીને ધરપકડ કરવામાં આવશે.
રવિન્દ્રસિંહ ભાટીને ધમકી : તમને જણાવી દઈએ કે શનિવારે જ શિવ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. રોહિત ગોાદરા કપુરીસર નામના આઈડીથી રવિન્દ્રસિંહને ધમકી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે "જો ભાટી આ રીતે કૂદવાની કોશિશ કરશે તો તેમનું કામ તમામ કરી દઈશું." ધમકી મળ્યા બાદ રવિન્દ્રસિંહ ભાટીએ કહ્યું, "મ્હારી સુરક્ષા હાફે, મારી ડોકરી કર સે" એટલે કે ભગવાન મારી રક્ષા કરશે.